રાજકોટમાં ઉનાળાની સિઝનને ધ્યાને લઇ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પીપળીયા હોલ પાસે આવેલ શ્રી રામકૃપા ગોલાવાલાની તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલો 3 કિલો વાસી માવો અને 7 કિલો વાસી રબડી મળી આવી હતી. આ વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે સુચના આપવામાં આવી હતી.
ખાણીપીણીની 5 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શેઠનગર, માધાપર, જામનગર રોડ વિસ્તારમાં ચકાસણી તથા લાઇસન્સ અંગેની અવેરનેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાં ખાણીપીણીના 20 ધંધાર્થીને ત્યાં ચેકિંક કરવામાં આવ્યું હતું. જેમાં 5 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાં ખાણીપીણીના 20 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વેચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલના 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો
આ સિવાય રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એક નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ઉદયનગર 1માં શેરી નં.15માં આવેલી દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
જાહેર સ્થળ પર કચરો નાખતા ટ્રેક્ટરને RTOમાં જમા કરાવ્યું
રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં તેમજ અન્ય સ્થળોએ કેટલાક વાહનચાલકો દ્વારા બાંધકામ, કાટમાળ અને અન્ય કચરો ઠાલવવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ તેમજ સુરક્ષા વિભાગના ડીવાયએસપી આર.બી. ઝાલા અને નાયબ પર્યાવરણ ઈજનેર ડી.યુ. તુવરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આવા વાહનચાલકો સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં આજે C એન્ડ D વેસ્ટ (કન્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ) નાંખવા બદક એક ટ્રેક્ટર RTOમાં જમા કરાવવામાં આવ્યું છે.