રાજકોટની નજીક બેકાબુ ટ્રકે 3 કાર અને બે બાઈકને ઉલાળીયા; RTO ઈન્સ્પેકટરનું મોત

રાજકોટ તા.ર8
રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ગામ પાસે બેકાબુ બનેલા ટ્રકે ત્રણ કાર અને બે બાઈકને ઠોકરે ચડાવતા નાશભાગ મચી ગઈ હતી. જ્યારે બાળકો માટે બિસ્કીટ લેવા કાર ઉભી રાખનાર અમદાવાદ આરટીઓના ઈન્સ્પેકટરને ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાશી છૂટનાર ટ્રકચાલકનો પીછો કરી લોકોએ ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રાજકોટ તરફ્થી માતેલા સાંઢની જેમ ધસી આવતા ટ્રકે ત્રણ ફોર વહીલ અને બે બાઇકને અડફેટે લેતા ઢાંઢીયા ગામના નિલેશભાઈ કોઢારીને અડફેટે લેતા ગંભીર ઇજા થઈ છે નિલેશભાઈ તેના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા હતા અને બાળકો માટે બિસ્કિટ લેવા પાનની દુકાને ઉભા હતા, કારમાં બેસવા જતા અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને અડેફેટે લેતા ગંભીર ઇજા થતા તેને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારજનોનો આબાદ બચવા થયો છે બીજી બે કાર અને બાઇકને પણ ઠોકરે ચડાવતા ઘડીભર નાસભાગ મચી જવા પામી હતી આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો જોકે લોકોએ તેનો પીછો કરીને પકડી લીધો હતો.
આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પુછતાછમાં મૃતક નિલેશભાઈ કોઠારી નાના મવા સર્કલ પાસે આવેલ રાજ રેસીડેન્સીમાં રહેતા હોવાનું અને અમદાવાદ આરટીઓ ઈન્સ્પેકટર હોવાનું તેમજ રાજકોટથી ઢાંઢીયા ગામે જતા હતા. ત્યારે બાળકો માટે ત્રંબાથી નાસ્તો લઈ કારની પાછળની ડેકીમાં મુકતા હતા ત્યારે ટ્રકચાલકે ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ