15 સ્થળે કાળ બનીને ત્રાટકી વિજળી: 7 લોકોના મોત, 20 દાઝયા

(પ્રતિનિધી દ્વારા) રાજકોટ તા. 30
સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. પરંતુ ગાજયા મેહ વરસે નહીં તે કહેવત મુજબ છૂટોછવાયો વરસાદ પડયો હતો. પરંતુ સૌરાષ્ટ્રમાં કુલ 15 સ્થળે વિજળી કાળ બનીને ત્રાટકી હતી. અને સાત માનવ જીંદગીનાં તેમજ 7 પશુધનના ભોગ લીધા હતા. જ્યારે 20 લોકો દાઝી ગયા હતા.
બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ખેતરમાં વિજળી પડતા એક પ્રૌઢા અને એક બાળકના તેમજ સરવાઇ ગામની સીમમાં એક યુવતિનું મોત નિપજ્યું હતું. નાની પાળીયાદ ગામે પણ ખેતરમાં વિજળી પડતા ભેંસનું મોત થયું હતું.
આજરીતે ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામની સીમમાં વિજળી પડતા બે યુવતિના મોત નિપજયા હતા, અને બે યુવતિ દાઝી ગઇ હતી. જ્યારે ભીંડા ગામે ખેતરમાં વિજળી પડતા ભેંસનું મોત થયું હતુ તેમજ ખંભાળિયા શહેરમાં એક મંદિર અને બે મકાન ઉપર વિજળી પડતા નુકશાન થયું હતું.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામની સીમમાં વિજળી પડતા ખેતરમાં કામ કરતા માતા – પુત્રના કરૂણ મોત નિપજ્યાં હતા.
જ્યારે કેશોદના રાણીંગપર ગામે પણ ખેતરમાં વિજળી પડતા 18 લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે તો અજાબ ગામે મકાન ઉપર વિજળી પડી હતી.
ચોટીલાના ખોરાળા ગામની સીમમાં બે ભેંસ અને ખેરડી ગામની સીમમાં એક બળદનો ભોગ વિજળીએ લીધો હતો. તો વાંકાનેર તાલુકાનાં ખાખાણા ગામની સીમમાં ભેંસ ઉપર વિજળી પડી હતી.
આજરીતે રાજકોટ શહેરમાં રેલનગર વિસ્તારમાં એક મકાન ઉપર વિજળી પણ સોલાર પેનલ અને પાણીનો ટાંકો તુટી ગયા હતા.
બોટાદ જિલ્લામાં 3 ભોગ લીધા
બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આજરોજ 11ાા કલાકે વિજળી પડવાથી સતવારા ઘનશ્યામભાઇ નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ. 55) તથા જાનવીબેન વિજયભાઇ ચૌહાણ (ઉ.વ. 5)ના મૃત્યુ થયેલ છે. તેમજ સરવઇ ગામે ભાટવાસીયા ગડુબેન જીવરાજભાઇ (ઉ.વ. 18)નું વિજળી પડવાથી મૃતયુ નિપજ્યું હતું.
ઉપરોકત ત્રણેય ખેતરમાં નિંદામણ કરતા હતા. નાના પાળીયાદ ગામમાં પણ વિજળી પડવાથી એક અને એક ભેંસનું મૃત્યું થયેલ છે. તથા સમઢીયાળા નં. 1 ગામે વિજ તાર તુટી પડતા એક ગાયનું મૃત્યુ થયેલ છે.
ખંભાળિયાના વિરમદડ ગામે બે મોત
ખંભાળિયા તાલુકાના જુના વિરમદડ ગામે આજરોજ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન બપોરે આશરે દોઢેક વાગ્યે વિરમદડ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવાર એવા ડાંગર કુટુંબના સભ્યો જમીને બેઠા હતા ત્યારે આ સ્થળે એકાએક જોરદાર આકાશી વીજળી ત્રાટકી હતી.
આ સ્થળે ધડાકાભેર વિજળી પડતા પાબીબેન સગાભાઈ ડાંગર નામના 35 વર્ષના પરણિત મહિલા તથા તેમની સાથે રહેલા તેમના ભત્રીજી કોમલબેન કરશનભાઈ ડાંગર નામની 20 વર્ષની યુવતીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આટલું જ નહીં તેમની સાથે રહેલા મંજુબેન ખીમાણંદભાઈ ડાંગર (ઉ. વ. આ. 30) તથા કંચનબેન કરસનભાઈ ડાંગર (ઉ. વ. 20) ઉપર પણ વીજળી પડતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ બનતા બન્ને મૃતદેહને ખંભાળિયાની હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ બનાવે ખેડૂત પરિવાર તથા નાના એવા વિરમદડ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
ખંભાળિયા શહેર નજીકના રામનગર વાડી વિસ્તારમાં આજરોજ બપોરે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે બપોરે આશરે દોઢેક વાગ્યે રામનગર વિસ્તારના મંદિરની પાછળના ભાગમાં આવેલી એક ખેતીની જગ્યામાં એક આસામીને માલિકીની ભેંસ પર આકાશી વીજળી ત્રાટકવાની આ ભેંસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયાની જાણ સ્થાનિક તંત્રને કરાઈ છે.
આ ઉપરાંત બપોરે દોઢેક વાગ્યે ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે પણ એક આસામીના ખેતર નજીકના ઝાડ પાસે બાંધીને રાખવામાં આવેલી ભેંસ પર વીજળી પડતા ભેંસનું મૃત્યુ નિપજયાનું જાણવા મળેલ છે.
ખંભાળિયા શહેરમાં ખોડીયાર ચોક વિસ્તારમાં આવેલા એક મંદિર પર પણ આજે બપોરે ધડાકાભેર વીજળી ત્રાટકતા આ મંદિરના ગુંબજનો ભાગ તૂટી ગયો હતો.
આ ઉપરાંત ખંભાળિયાના નવાપરા વિસ્તાર નજીક ક્ધટેનમેન્ટ ઝોનમાં આવેલા એક બિલ્ડિંગ પર ઉપરના ભાગે જોરદાર વીજળી ત્રાટકતા કેટલોક ભાગ તૂટ્યાનું પણ જાણવા મળેલ છે.
આમ, આજરોજ ભૂકંપના આંચકા જેવા આકાશ વીજળીના કડાકા સાથે વીજ ત્રાટકવાના અનેક બનાવો બનતા લોકોમાં થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
રક્કા ગામે માતા -પુત્રના મોત
લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતા વિજય જયેશ ભાઈ સીતાપરા (ઉં વ 12) અને તેની માતા નીતાબેન જયેશ ભાઈ સીતાપરા (ઉ.વ. 35) કે જેઓ આજે ચાલુ વરસાદે પોતાની વાડીમાં હતા અને નીતાબેન ઉભો પાક નિંદવાનું કામ કરતા હતા જ્યારે તેનો પુત્ર વિજય તેની બાજુમાં ઉભો હતો. જે દરમિયાન એકાએક ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને વરસાદ વીજળી પડતા બંને દાજી ગયા હતા. આ બનાવ અંગે ની જાણ થતા 108 ની ટુકડી તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને માતા પુત્રને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબો એ તેમને મૃત્યું પામેલ જાહેર કર્યા હતા.
રાણીંગપરા ગામે વિજળી પડતા 18 ને ઇજા
કેશોદ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બપોરના સમયે અજાબ ગામે મકાન ઉપર એકાએક વીજળી પડતાં મકાનના સ્લેપમાં તિરાડ પડી ગઈ હતી, આ બાબતની ગામમાં જાણ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
જ્યારે કેશોદનાં રાણીંગપરા ગામની સીમમાં આવેલ દિનેશભાઈ મહીડાના ખેતરમાં વિજળી પડતા ખેત મજુરી કરતા 18 જટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જોરદાર કડાકા સાથે ત્રાટકે લ વીજળીથી ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
કેશોદની સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સારવાર માટે પહોં ચતા એક બેડમા બે બે દર્દીઓને સારવાર અપાય હોવાની બુમો ઉઠવા પામી હતી, અને આ ઘટના કેમેરામાં કેદ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે, અને સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કરાવવામાં આવી આવ્યો હોવાની પણ આક્ષેપો થઈ રહ્યા છે,
બીજી બાજુ માત્ર પંદર જેટલા દર્દીઓની સારવારમાં જો એક બેડમાં બે બે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય તો વધુ રોગચાળો કે કોઈ મોટી ઘટના બને ત્યારે દર્દીઓની સારવાર સમયે શુ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ