કાશ્મીરમાં ભારત / ઓલ પાર્ટી

ફારૂક અબ્દુલ્લાના ઘરે મળેલી બેઠકમાં કલમ 370 ફરી લાગૂ કરવા એજન્ડા

(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ તા.15
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના ઘરે ગુરુવારે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ ગુપકર સમજૂતી અંગે ચર્ચા કરી હતી. ગુપકાર ડિક્લેરેશન પર હસ્તાક્ષર કરનારા રાજકીય પક્ષોએ કાશ્મીરમાં નવા ગઠબંધનની જાહેરાત કરી છે. નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું કે, ગુપકાર રોડ ખાતે આવેલા આવાસ પર તેની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગઠબંધનનો હેતું જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિને પહેલા જેવી કરવાની એટલે કે અનુચ્છેદ 370ને પાછું લાગુ કરાવવાનો છે. ગત વર્ષે પીડીપી, નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, માકપા, જમ્મુ-કાશ્મીર, પીપલ્સ કોન્ફરન્સ, પૈંથર્સ પાર્ટી અને જમ્મુ-કાશ્મીર અવામી નેશનલ કોન્ફરન્સ સહિત ઘણી પાર્ટીઓએ ગુપકાર ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડિક્લેરેશન વિશેષ દરજ્જો પાછો આપવા અને રાજ્યનું બંધારણ લાગુ કરવા માટે બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીને ગત મંગળવારે રાતે જ 14 મહિના પછી નજરકેદમાંથી છોડવામાં આવ્યા છે.નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા મહેબૂબા મુફ્તીને મળવા માટે બુધવારે તેમના ઘરે ગયા હતા હવે તે ફરી રાજકારણમાં સક્રિય થયા છે.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાના ઘરે જ યોજાયેલી બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપુલ્સ કોન્ફરન્સ, કોંગ્રેસ તથા અવામી નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય ઘણા રાજકીય પક્ષના નેતા અહીંયા હાજર રહ્યા હતા.
ગુપકાર જાહેરાતનો ભાગ રહી ચુકેલા રાજકીય પક્ષોની આ ત્રીજી બેઠક છે. આ ગુપકાર જાહેરાતમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક, પીપલ્સ કોન્ફરન્સ તથા અવામી નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય ક્ષેત્રીય પક્ષ સામેલ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા અને નેતાઓને છોડ્યા પછી આ પહેલી મોટી બેઠક છે. ઘણા નેતાઓએ અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે, અને તેઓ આ આર્ટિકલને પાછો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. બેઠકને ધ્યાનમાં રાખતા ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાથે મળીને ચૂંટણી લડી શકે છે એલાયન્સ
ફારુકે કહ્યું કે, અમે આ એલાયન્સનું નામ પીપલ્સ એલાયન્સ રાખ્યું છે. કાયદાની હદમાં રહીને આ ગઠબંધન જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો પાછો અપાવવા માટે બંધારણીય લડાઈ લડશે. અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર અમારી જનતાને એ અધિકાર પાછા આપે, જે 5 ઓગસ્ટ 2019 પહેલા તેમની પાસે હતા. માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત પ્રદેશ બની ચુકેલા જમ્મુ-કાશ્મીરમાં જો ચૂંટણીની જાહેરાત થશે તો આ તમામ પક્ષ મળીને ચૂંટણી લડશે.
ગુપકાર સમજૂતી શું છે?
પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35અ હટાવાયા તો ઘાટીના નેતાઓએ એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ 35અ અને 370ને ખતમ કરવો કે તેમા ફેરફાર કરવા ગેરબંધારણીય છે. રાજ્યની વહેંચણી કાશ્મીર અને લદ્દાખના લોકો વિરુદ્ધ બળજબરી છે અને તેને પછીથી ગુપકાર સમજૂતી નામ આપવામાં આવ્યું.

રિલેટેડ ન્યૂઝ