મુંબઇ-દિલ્હી વચ્ચેની ફલાઇટસ-ટ્રેન થશે બંધ

કોરોનાના વધતા સંક્રમણથી મહારાષ્ટ્ર સરકારની વિચારણા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.20
દિલ્હીમાં સતત વધી રહેલાં સંક્રમણનો ફેલાવો મુંબઈમાં ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે તાકિદની બેઠક બોલાવી છે અને દિલ્હી-મુંબઈ વચ્ચેની વિમાનસેવા બંધ કરી દેવાનો આદેશ ટૂંક સમયમાં જારી થઈ શકે છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળા-કોલેજ ન ખોલવા અંગે પણ અગાઉ ઉદ્ધવ સરકારે વિચારણા કરી છે. આ સિવાય ટ્રેન બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવે તેવી શકયતા છે. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે પીએમ ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગથી કોરોનાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
રાજ્યમાં ગુરુવારે 5535 લોકો કોરોના સંક્રમિત થયા છે. 5860 લોકો રિકવર થયા અને 154 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 17 લાખ 63 હજાર 55 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 79 હજાર 738 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 35 હજાર 971 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 356 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાની ગતિ ઝડપી થતી જઈ રહી છે. ગુરુવારે 46 હજાર 185 લોકો સંક્રમિત થયા હતા. જેની તુલનામાં 45 હજાર 246 દર્દી સાજા થયા. 583 દર્દીઓએ મહામારીથી દમ તોડ્યો. આ રીતે એક્ટિવ કેસમાં 343નો વધારો નોંધાયો. સારવાર કરાવી રહેલા આ દર્દીઓની સંખ્યામાં 3 ઓક્ટોબર પછીથી સતત ઘટાડો આવી રહ્યો હતો.
દેશમાં અત્યાર સુધી 90 લાખ 1 હજાર 263 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આમાથી 84 લાખ 23 હજાર 162 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. 4 લાખ 727 દર્દીઓની સારવાર ચાલી રહી છે.સંક્રમણના કારણે જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 32 હજાર 133 થઈ ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ