દેશની ટ્રિબ્યૂનલોમાં તમામ ખાલી જગ્યા ભરવા 2 સપ્તાહની સુપ્રીમ કોર્ટની મહેતલ

નવી દિલ્હી તા.16
દેશભરમાં આવેલી ટ્રિબ્યૂનલોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિયુક્તિમાં કેન્દ્ર સરકારના લચર વલણ પર અત્યંત નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જે રીતે ટ્રિબ્યૂનલોમાં જજોની નિયુક્તિ થઇ રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર વીણી વીણીને પસંદગી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પ્રિસાઇડિંગ અધિકારીઓ, જ્યૂડિશિયલ અને ટેકનિકલ અધિકારીઓની મોટી અછત વેઠી રહેલી ટ્રિબ્યૂનલોમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ બે સપ્તાહમાં ભરવા કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેના દ્વારા ભલામણ કરાયેલા નામોમાંથી સરકાર દ્વારા નિયુક્તિ ન કરાય તો તે માટેના કારણો રજૂ કરવાનો નિર્દેશ પણ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટેે જણાવ્યું હતું કે, જો દેશની તમામ ટ્રિબ્યૂનલોમાં ખાલી પડેલી જગ્યાઓ બે સપ્તાહમાં નહીં ભરાય તો અમે સરકાર સામે અદાલતની અવમાનનાનાં પગલાં લઇશું. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે અદાલતની અવમાનનાના આદેશ જારી કરી દઇશું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રામન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે એટર્ની જનરલ કે કે વેણુગોપાલને જણાવ્યું હતું કે, દેશની ટ્રિબ્યૂનલોમાં ખાલી પડેલી જગ્યાઓના કારણે દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે અને ફરિયાદીઓને આમ અધરમાં લટકતા છોડી શકાય નહીં. સરકાર દ્વારા જારી કરાયેલા નિયુક્તિપત્રો સ્પષ્ટ દર્શાવે છે કે સરકારે પસંદગીની યાદીમાંથી વીણી વીણીને અને વેઇટ લિસ્ટમાંથી કેટલાકની પસંદગી કરી છે અને ભલામણ કરાયેલી યાદીમાંથી ઘણાને પડતા મૂક્યા છે. આ કેવા પ્રકારની પસંદગી અને નિયુક્તિઓ છે?

રિલેટેડ ન્યૂઝ