ચાહીતા ક્રિકેટરોનું રાજકોટમાં ધમાકેદાર સ્વાગત

January 15, 2020Gujarat Mirror Operator 1677 Views

રાજકોટ તા.15
રાજકોટના આંગણે વધુ એક ક્રિકેટ અવસર આવી પહોંચતા ક્રિકેટરસિકોના આનંદનો પાર રહ્યો નથી. ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝનો બીજો વન-ડે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મેદાન પર રમવા માટે બંને ટીમો આજે રાજકોટ આવી પહોંચતા તેમનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મુંબઇથી ચાર્ટર્ડ પ્લેન મારફત બપોરે રાજકોટ આવી પહોચી હતી. એરપોર્ટ પર ક્રિકેટપ્રેમીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટરોને જોવા ઉમટી પડયા હતા. ભારતની ટીમના ચહિતા એવા કાઠીયાવાડી રવિન્દ્ર જાડેજા, ઓપનર શીખર ધવનના નામની ચીચીયારીઓ હર્ષભેર ગુંજી ઉઠી હતી. અહીંથી બંને ટીમો પોતપોતાના ઉતારા તરફ હંકારી ગઇ હતી. તેમના સ્પેશ્યલ કોચને પોલીસ પ્રોટેકશન પણ પુરૂ પડાયું હતું. નોંધનીય છે કે કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા હવે રાજકોટ આવનાર છે.
ભારતની ટીમ પહેલી જ વખત નવી હોટલમાં ઉતરી છે. કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામેના ભાગે સયાજી હોટલમાં કોહલી સેનાને ઉતારવામાં આવી છે. અહીં હેરીટેજ શણગાર રચીને ક્રિકેટરોને આવકાર અપાયો છે. ટીમ આવી પહોચતા પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું. ડીસ્કો દાંડીયાની રમઝટ બોલી હતી અને મન મોર બની થનગાટ કરે ગીત ગુંજ્યું હતું. અહીં એટલી મોટી સંખ્યામાં ફેન્સ ઉમટયા હતા કે 150 ફુટ રીંગરોડ અને કાલાવડ રોડ પર ટ્રાફીક અંકુશમાં રાખવાનું મુશ્કેલ બન્યું હતું.
યાજ્ઞિક રોડ પરની ઇમ્પીરીયલ હોટલે પણ ઓસી. ટીમના પ્લેયર્સને જોવા ભીડ ઉમટી હતી. ઓસી. ટીમમાં તરખાટ મચાવનારા એરોન ફીન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મીથને ક્રિકેટપ્રેમીઓએ તેના નામ પોકારીને પ્રોત્સાહીત કર્યા હતા.

ખેલાડી ભુમિકા
વિરાટ કોહલી (કેપ્ટન) ટોપ ઓર્ડર બેટસમેન
રોહિત શર્મા ટોપ ઓર્ડર બેટસમેન
જસપ્રિત બુમરાહ બોલર
યજુવેન્દ્ર ચહલ બોલર
શીખર ધવન ઓપનીંગ બેટસમેન
શિવમ દુબે ઓલરાઉન્ડર
શ્રેયસ ઐયર ટોપ ઓર્ડર બેટસમેન
રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર
કેદાર જાધવ બેટીંગ/ઓલરાઉન્ડર
કુલદીપ યાદવ બોલર
મોહમ્મદ શમી બોલર
મનીષ પાન્ડે ટોપ ઓર્ડર બેટસમેન
રીષભ પંત વિકેટકીપર-બેટસમેન
કે.એલ.રાહુલ ઓપનીંગ બેટસમેન
નવદીપ સૈની બોલર
શાર્દુલ ઠાકુર બોલર

બંને હોટલમાં હેરિટેજ શણગાર : સયાજી અને ઇમ્પિરિયલ બહાર ચાહકોના ટોળેટોળાં : 150 ફૂટ રિંગરોડ પર ટ્રાફિક કાબૂ કરવાનું મુશ્કેલ બન્યું !

ટીમ ઇન્ડિયા પહેલી જ વાર નવી હોટલમાં : પાઘડી પહેરાવી સ્વાગત કરાતાં ક્રિકેટરો ખુશખુશ : ‘મન મોર બની થનગાટ કરે’ ગુંજ્યું : દાંડીયારાસની રમઝટ

રિલેટેડ ન્યૂઝ