ત્રીજી વન-ડેમાં ભારતનો 5 વિકેટે પરાજય, 31 વર્ષ પછી ભારતનો વ્હાઇટવોશ

માઉન્ટ માઉંગાનુઇ : ન્યૂઝીલેન્ડે ભારતને ત્રીજી અને અંતિમ વન-ડેમાં 5 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. 31 વર્ષ પછી પ્રથમ વખત ટીમ ઇન્ડિયાનો ત્રણ મેચ કે તેથી વધારેની દ્વિપક્ષીય વન-ડેની શ્રેણીમાં વ્હાઇટવોશ થયો છે. આ પહેલા ભારતીય ટીમનો 1989માં વેસ્ટ ઇન્ડીઝ સામે 5-0થી વ્હાઇટવોશ થયો હતો. ભારતે લોકેશ રાહુલના 112 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે હેનરી નિકોલ્સ (80), માર્ટિન ગુપ્ટિલ (66) અને ગ્રાન્ડહોમી (અણનમ 58)ની અડધી સદીની મદદથી 47.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

297 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડના ઓપનર ગુપ્ટિલ અને નિકોલ્સે શાનદાર શરુઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 106 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની 17મી ઓવરમાં ગુપ્ટિલને ચહલે બોલ્ડ કર્યો હતો. ગુપ્ટિલે 46 બોલમાં 6 ફોર અને 4 સિક્સરની મદદથી 66 રન બનાવ્યા હતા. આ પછી નિકોલ્સે બાજી સંભાળતા 80 રન બનાવ્યા હતા. વિલિયમ્સન 22 અને ટેલર 12 રને આઉટ થતા ભારતની જીતની આશા જીવંત બની હતી. જોકે ગ્રાન્ડહોમીએ 36 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 58 રન બનાવી ટીમને જીત અપાવી હતી. તેણે લથામ (32*) સાથે અતૂટ 80 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પહેલા ભારતનો મયંક અગ્રવાલ 1 અને વિરાટ કોહલી 9 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો એ 40 રન બનાવી સારી ઇનિંગ્સ રમી હતી. આ પછી શ્રૈયસ ઐયરે 62, લોકેશ રાહુલે 112 રન બનાવી બાજી સંભાળી હતી. બંનેએ 100 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે મનીષ પાંડે (42) સાથે 107 રનની ભાગીદારી કરી ભારતનો સ્કોર 296 રને પહોંચાડ્યો હતો. રાહુલે 113 બોલમાં 9 ફોર અને 2 સિક્સરની મદદથી 112 રન બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ