નહેરુ નહોતાં ઈચ્છતા કે સરદાર પટેલ મંત્રી બને; વિદેશમંત્રી અને ઈતિહાસકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ

નવી દિલ્હી, તા.13
વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વચ્ચે ટ્વીટર પર સરદાર પટેલ અને નહેરુને લઈને શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં
અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે આ વાતને ગુહાએ મિથક ગણાવી દીધી.
પૂર્વ બ્યુરોક્રેટ અને હાલના વિદેશમંત્રી એસ જયશંકર ઈતિહાસકાર નારાયણી બસુના વી પી મેનન પર લખેલા પુસ્તકનું વિમોચન કરવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમની તસવીર શેર કરતા જયશંકરે એક ટ્વીટમાં લખ્યું કે રાજકારણનો ઈતિહાસ લખવા માટે પ્રમાણિક હોવું જોઈએ. તેમણે આ ટ્વીટમાં પુસ્તકમાં મેનનના શબ્દોને ટ્વીટ કરતા લખ્યું છે કે ’જ્યારે સરદારનું નિધન થયું, ત્યારે તેમની સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે મોટું અભિયાન શરૂ થયું. મને આ ખબર હતી, કારણ કે મેં આ જોયું હતું અને હું તે સમયે પોતાને પીડિત મહેસૂસ કરતો હતો.’
ત્યારબાદ અન્ય એક ટ્વીટમાં વિદેશમંત્રીએ પુસ્તકનો હવાલો આપતા લખ્યું કે વર્ષ 1947માં નહેરુ નહતાં ઈચ્છતા કે પટેલ તેમના મંત્રીમંડળમાં સામેલ થાય. તેમનુ નામ પ્રાથમિક કેબિનેટ સૂચિમાંથી હટાવી લેવામાં આવ્યું હતું. સ્પષ્ટ છે કે આ મોટી ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે લેખતે આ ઘટસ્ફોટ પર પોતાનો પક્ષ રજુ કર્યો.
જવાહરલાલ નહેરુને લઈને કરાયેલા આવા દાવા પર રામચંદ્ર ગુહાએ આક્રમક અંદાજમાં જવાબ આપ્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે આ એક મિથક છે. જેને પ્રોફેસર શ્રીનાથ રાઘવન દ્વારા મોટા પાયે ધ્વસ્ત કરાયું છે. આ ઉપરાંત ફેક ખબરોને પ્રોત્સાહન આપવું અને નહેરુ-પટેલ વચ્ચે ખોટી પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવાનું કામ આધુનિક ભારતના નિર્માતાનું છે, વિદેશ મંત્રીનું નથી. તેને ભાજપના આઈટી સેલ માટે છોડી દેવું જોઈએ.
ગુહાને જવાબ આપતા વિદેશ મંત્રીએ લખ્યું કે “કેટલાક વિદેશ મંત્રી પુસ્તકો વાંચે છે. કેટલાક પ્રોફેસરો માટે પણ આ એક સારી આદત હોઈ શકે છે. આ મામલે હું તમને મારા દ્વારા રિલીઝ કરાયેલા પુસ્તકને વાંચવાની સલાહ આપું છું.”
જેના જવાબમાં ઈતિહાસકાર ગુહાએ જયશંકર માટે લખ્યું કે “સર, તમારી પાસે જેએનયુની પીએચડી છે, તો તમે મારા કરતા વધુ પુસ્તકો વાંચ્યા હશે. તેમાં નહેરુ અને પટેલના પ્રકાશિત થયેલો પત્રાચાર પણ રહ્યો હશે, જે એ દર્શાવતા હતાં કે નહેરુ કયા પ્રકારે પટેલને પોતાના પહેલા મંત્રીમંડળના સૌથી મજબુત સ્તંભ બનાવવા માંગતા હતાં. ફરીથી તમારે તે પુસ્તકો પાસેથી સલાહ લેવી જોઈએ.”
પુસ્તકમાં નહેરુ અંગે કરાયેલા દાવા પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અનેક ટ્વીટ કરીને વી પી મેનનની બાયોગ્રાફીમાં કરાયેલા દાવાને ખોટા ગણાવ્યાં છે. રમેશે 14 ઓગસ્ટ 1947ના એક લેટરને ટ્વીટ કરીને લખ્યું છે કે પટેલ નહેરુ બાદ કેબિનેટમાં બીજા નંબરે હતાં. રમેશે અનેક ટ્વીટ કરતા લખ્યું કે નહેરુ દ્વારા પટેલને કેબિનેટમાં સામેલ નહી કરવાની ખોટી ખબરોમાં અનેક લેટર અને દસ્તાવેજોને સાક્ષી તરીકે રજુ કરી રહ્યો છું. આ સત્ય છે.

રિલેટેડ ન્યૂઝ