કેજરીવાલની શપથવિધિમાં ‘બેબી મફલરમેન’ને ખાસ આમંત્રણ

નવી દિલ્હી તા.13
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર નાના કેજરીવાલ ઉર્ફે બેબી મફલરમેનનો ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યો હતો. હવે દિલ્હીના મુખ્યમંત્રી પણ આ બેબી મફલરમેનથી પ્રભાવિત થયા છે. હવે આ બેબી મફલરમેન એટલે કે આવયાન તોમરના નામના આ બાળકને સીએમ અરવિંદ કેજરીવાલની શપથવિધિમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.
આવ્યાન તોમર નામના આ નાના બાળક તરફ સ્થાનિક લોકો સહિત મીડિયાનું ધ્યાન ત્યારે ખેંચાયું કે જ્યારે આ બાળક ચૂંટણીના પરિણામ દરમિયાન અરવિંદ કેજરીવાલની માફક મફલર બાંધીને ચશ્મા પહેરેલો જોવા મળ્યો. આ નાનકડા બાળકે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી અને કેજરીવાલની માફક મૂંછો પણ રાખી હતી.
દિલ્હીના મયૂર વિહારમાં રહેતા આવ્યાન તોમરની ઉંમર 1 વર્ષ છે અને હવે તે ખૂબ પોપ્યુલર થઈ ગયો છે. તેના પિતા આમ આદમી પાર્ટીના સમર્થક હોવાનું જાણવા મળ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે તારીખ 16 ફેબ્રુઆરી એટલે કે રવિવારના દિવસે અરવિંદ કેજરીવાલ ઐતિહાસિક રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હાલ તેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ