સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે વાદળા ચડી આવ્યા: બપોર થતા જ ફરી ગરમી બફારાએ અકળાયા

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ હજુ ગરમી બફારાનો માહોલ જળવાઇ રહેવાના સંકેત વચ્ચે આજે વહેલી સવારથી જ પરિવારમાં પલટો આવવા સાથે વાદળા આકાશમાં ચડી આવતા વરસાદી માહોલ બની જતા ખેડૂતો માવઠાની દહેશતથી ભારે ચિંતામાં મુકાયા છે.
ચાલુ વરસે કુદરતના વિવિધ મુડને કારણે સતત એકધારી વિવિધ ઋતુનો માહોલ બનતો આવે છે. દિવાળી બાદ વર્ષના પ્રારંભે ઉપરા-છાપરી બે વાવાઝોડા આવતા કમોસમી વરસાદ સાથે લગભગ દોઢેક મહિના સુધી દિવસે ગરમી, રાત્રે ઠંડીનો મિશ્ર ઋતુનો માહોલ બની રહ્યો હતો.
દરમિયાન ચાલુ સપ્તાહથી ફરીને પવનની દિશા બદલી હતી. ઉત્તર પૂર્વના હિમાચ્છાદીત પવનનું સ્થાન ઉત્તર દક્ષિણ કે દક્ષિણ પૂર્વના ભેજવાળા મિશ્રીત પવને છેલ્લા ચાર દિવસથી અવિરત પણે તાપમાનનો પારો ઉચકાવા લાગ્યો હતો અને ગઇકાલે મોટાભાગના સ્થળે 30 થી 35 ડિગ્રી સુધી ઉંચુ તાપમાન નોંધાતા લોકો ગરમી અને બફારાથી ત્રાહીમામ જોવા મળતા હતા.
ગઇકાલે રાજકોટમાં 34.5, કેશોદ-જૂનાગઢમાં 33.4, ભાવનગરમાં 33.1, પોરબંદરમાં 34.4, વેરાવળમાં 30.5, દ્વારકામાં 33.2, ઓખામાં 17.6, ભૂજમાં 33.4, નલીયામાં 32.6, સુરેન્દ્રનગરમાં 33.8, કંડલામાં 32.8, મહુવામાં 34.8, દિવમાં 31.7 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જયારે કારતક મહિનાના બીજા સપ્તાહથી શરૂ થતાં ઠંડીના દિવસે માગસર મહિનાની મઘ્યાહન બાદ શરૂ થવા હતાં. જમ્મુ કાશ્મીરના હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર-ભારતમાં લાંબો સમય સુધી ઐતિહાસીક અષ્ટ વર્ષા ચાલુ રહેતા ઉત્તર પૂર્વના સુકા અને હિમાચ્છાદીત પવનની અસર હેઠળ એક માસ કરતા વધુ સમય સુધી બોકાસો બોલાવતી ઠંડીએ સમગ્ર સજીવ-નિર્જીવ સૃષ્ટિને પ્રભાવીત કરી હતી.
એક બાજુ શિતલહેર સાથે ભયંકર ટાઢોઢુ છવાઇ જવા સાથે ઠારને કારણે લોકો હાડ ગાળતી ઠંડીથી લગભગ એકધારા એક મહિના કરતા વધુ સમય સુધી ધ્રુજયા બાદ પોષ મહિનાના અંતિમ સપ્તાહથી અંતે બરફ વર્ષા બંધ થવા સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન ઉચકાવાનું શરૂ થયું હતું અને ગયા સપ્તાહ સુધી અનેક સ્થળે રાત્રે 10 થી 15 ડિગ્રી વચ્ચે ઠંડીના ચમકારા સાથે દિવસનો પારો 24 થી 30 નજીક રહેતા સામાન્ય ગરમીનો અનુભવ લોકોને થતો હતો.
ગઇકાલે એકાએક લઘુત્તમ તાપમાન 15 થી ઉપર અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી જતાં હવામાં રહેલા ભેજ અને ઉચકાયેલા તાપમાનને કારણે સી.વી.ફાર્મશન સર્જાયુ હતું અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું હતું. જો કે કયાંક વરસાદ પડયાના વાવડ મળ્યા નથી.
પરંતુ સ્થાનિક નીચા લેવલ પર રહેલા વાદળને કારણે સવારે 11 વાગ્યા સુધી આકાશ વાદળાથી ઘેરાયેલુ રહ્યું હતું. જેથી ફરી માવઠાના માહોલની દહેશતથી ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. પરંતુ બપોર બાદ હવામાન ચાલુ થઇ ગયું હતું અને ફરી ગરમી તથા બફારો શરૂ થયો હતો.
તેવામાં આગામી ત્રણેક દિવસ રાત્રીના તાપમાનમાં નહિવત ફેરફાર સાથે મિશ્ર ઋતુનો માહોલ જળવાઇ રહ્યા બાદ આગામી સપ્તાહથી ફરી ઠંડીનો સંભવત: અંતિમ રાઉન્ડ આવવાનો સંકેત હવામાન વિભાગે દર્શાવ્યો છે.
રાજકોટ
રાજકોટમાં ગઇકાલે દિવસભર 34.પ ડિગ્રી મહત્તમ તાપમાને ગરમી સાથે બફારાનો લોકોને અનુભવ થયા બાદ રાતથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વહેલી સવારથી આકાશમાં વાદળા ચડી આવ્યા હતા. જો કે બપોર બાદ હવામાન સ્વચ્છ થઇ ગયું હતું.
આજે વહેલી સવારે વાદળછાંયા વાતાવરણ આડે રાત્રીનું લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાતા ઠંડી સંપૂર્ણ ગાયબ થઇ ગઇ હતી. તો હવામાં સત્વરે 64 ટકા ભેજ નોંધાયો હતો. પવનની ગતિ 6 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

રિલેટેડ ન્યૂઝ