શિક્ષણ જગત કલંકિત: કોલેજમાં વિદ્યાર્થીનીના માસીક ધર્મની તપાસ

ભુજ, તા.13
કચ્છની રાજધાનીમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે. સહજાનંદ
ગર્લ્સ ઈન્સ્ટિટયુટમાં કોલેજની વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થીનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થીનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિદ્યાર્થીનીઓ આરોપી લગાવી
રહી છે.
કોલેજ હોસ્ટેલ છોડવા વિદ્યાર્થીઓને ચીમકી વિદ્યાર્થીનીઓએ માંગણી કરી છે કે તેમની સામે ગેરવર્તણુંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે.
વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ કલાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થીનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી.
માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થીનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઈમોશનલ બ્લેકમેઈલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થીનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો.
વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાર્થીનીઓને પેસેજમાં બેસાડી હતી. જે વિદ્યાર્થીનીઓ માસિક ધર્મમાં હોય તેને ઊભી થવાનું કહેવાયું હતું. જેને પગલે બે છોકરીઓ ઊભી થઈને બાજુમાં બેસી જતાં તેમને એક બાદ એક એમ તમામ છોકરીઓને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂર થયાં હતાં. તે લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. કોલેજના મહિલા પ્રિન્સિપાલ રીટાબેને અને અન્ય શિક્ષિકાઓએ અમને આવી ફરજ પાડી હતી. કોઈની સાથે કોલેજ, હોસ્ટેલ કે અન્ય જગ્યાએ આવું ન થવું જોઈએ. આ બનાવને લઈને કડક પગલાં લેવા જોઈએ.
સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શને કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શકયતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કેરિયર પર આની કોઈ જ અસર ન થાય.

રિલેટેડ ન્યૂઝ