પોરબંદર, ઓખા, વેરાવળની ચાર બોટ સાથે 22 માછીમારના અપહરણ

પોરબંદર, તા.14
એકબાજુ માછીમારીની સીઝનમાં મંદી ચાલી રહી છે તો બીજીબાજુ પાકીસ્તાની મરીન સીકયુરીટી એજન્સીએ ફરીવાર પોતાનો આતંક મચાવીને પોરબંદર, વેરાવળ, ઓખાની ચાર બોટ અને બાવીસ જેટલા ખલાસીઓનું અપહરણ કરી જતાં માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
પોરબંદર, ઓખા અને વેરાવળની ફીશીંગ બોટો આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક ગ્રુપમાં માછીમારી કરતી હતી ત્યારે અચાનક જ ત્રાટકેલી પાક. મરીન સીકયુરીટી એજન્સીની સ્ટીમરે ખલાસીઓને શરણે થઇ જવા ફરમાન કર્યુ હતું. આથી પોરબંદરની બે ફીશીંગ બોટ તથા ઓખા અને વેરાવળની એક બોટ સહિત કુલ ચાર બોટો અને તેમાં રહેલા રર જેટલા માછીમારોને પાક. મરીને બંદુકના નાળચે બંદીવાન બનાવી લીધા હતા અને બોટોને પાકીસ્તાન લઇ જવાઇ હતી તેમજ ખલાસીઓને પણ ત્યાં ની જેલમાં પુરવા માટે ઉઠાવી જવાયા છે. કયા બોટ માલીકની કઇ બોટ છે? તેની માહીતી સવારે ફીશીંગ બોટો પાકીસ્તાન પહોંચી જશે પછી જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, પાક. મરીન સીકયુરીટી અવાર-નવાર આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીકથી બોટો અને માછીમારોના અપહરણ કરી જાય છે ત્યારે વધુ એક બનાવ સામે આવતા માછીમારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ