સને: 2022 સુધીમાં GDP 7.4 ટકા થવાની શકયતા

નવી દિલ્હી તા.14
ભારતની આર્થિક વૃદ્ધિ આગામી કેટલાક વર્ષમાં લાંબા ગાળાના ટ્રેન્ડ દરમિયાન રિકવર થશે અને 2022 સુધીમાં 7.4 ટકાને સ્પર્શ કરી જાય તેવી શક્યતા છે તેમ રેટિંગ એજન્સી એસ એન્ડ પીએ જણાવ્યું હતું. તેણે ભારતનું સોવેરિન રેટિંગ જાળવી રાખીને ચેતવણી આપી હતી કે નાણાકીય સ્થિતિ ગંભીર છે.
2019માં એનડીએ સરકારને મજબુત બહુમતી મળી તેનાથી પોલિસીને સ્થિરતા આપવામાં મદદ મળશે. એસ એન્ડ પીએ જણાવ્યું કે, ટેકાત્મક નાણાકીય અને સાઇક્લિકલ પરિબળો આર્થિક રિકવરીને ટેકો આપશે. 2020-24માં રિયલ જીડીપી ગ્રોથ સરેરાશ 7.1 ટકા રહેશે. તેણે ભારતને લોંગ ટર્મમા રેટિંગ અને ટૂંકા ગાળામાં ફોરેન અને લોકલ કરન્સી સોવેરિન રેટિંગ આપ્યું હતું.
તેણે કહ્યું કે ભારતની વૃદ્ધિ તેની એક્સટર્નલ પોઝિશનને જાળવશે અને રાજકોષીય ખાધ વધશે પરંતુ એકંદરે અમે બે વર્ષ અગાઉ કરેલી આગાહી જેટલી જ હશે. તેના અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતનો જીડીપી 4.3 ટ્રિલિયન ડોલરે પહોંચી જશે. તેથી 2025સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરના જીડીપીના લક્ષ્યાંકને હાંસલ કરવો મુશ્કેલ લાગે છે.
એસ એન્ડ પીએ કહ્યું કે ભારતનો વૃદ્ધિદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યો છે પરંતુ તે આર્થિક નરમાઇના બદલે સાઇક્લિકલ છે. લાંબા ગાળે ભારત આઉટપરફોર્મન્સ કરશે. ચુસ્ત નાણાકીય સ્થિતિ અને નોન બેન્કિંગ સેક્ટરમાં તરલતાની અછત આગામી ક્વાર્ટરમાં ખાનગી વપરાશને મર્યાદિત રાખે તેવી શક્યતા છે. એજન્સીએ કહ્યું કે, ભારતીય આર્થિક વૃદ્ધિ સામે ટૂંકા ગાળામાં અવરોધ રહેશે. તેમાં પ્રાઈવેટ સેક્ટરના રોકાણમાં ઘટાડો અને વિપરીત સેન્ટીમેન્ટ સામેલ છે. આ ઉપરાંત શ્રમ માર્કેટની તકલીફો અને નબળી માંગનો સામનો કરવો પડશે.
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસદર પાંચ ટકા રહેવાનો અંદાજ છે જે 11 વર્ષના તળિયે હશે. નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ રિકવર થઇને 6થી 6.5ટકા રહેવાની શક્યતા છે.
સરકારે ગયા સપ્ટેમ્બરમાં હાલની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 30 ટકામાંથી 22 ટકા કર્યો હતો જ્યારે 15ઓક્ટોબર પછી નોંધાયેલી નવી કંપનીઓ માટે ટેક્સનો દર 15ટકા કર્યો હતો

રિલેટેડ ન્યૂઝ