રાજ્યમાં બોર્ડની પરિક્ષાને લઇ ઘડાયો એકશન પ્લાન; ઇલેકટ્રોનિક ઉપકરણો મળ્યે થશે ફરિયાદ

રાજકોટ તા,28
પાંચ માર્ચથી શરુ થનારી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ડીઈઓ કચેરી દ્વારા શહેર-જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના સંચાલકોની એક બેઠક બોલાવીને બોર્ડની પરિક્ષાનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો. વર્ગખંડમાં કોઈપણ વિદ્યાર્થી ઈલેકટ્રોનિક ઉપકરણો સાથે પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપવામાં આવ્યા છે.
જે પ્રમાણે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર અને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ પર પરીક્ષા વખતે સ્કૂલમાં મોબાઈલ, ડિજિટલ વોચ, બ્લૂ ટુથ કે બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ રહેશે.વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર બૂટ મોજા કઢાવવાના રહેશે અને વિદ્યાર્થીઓને પોતાની જ જગ્યા પર પરીક્ષા દરમિયાન પીવાનુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
સ્કૂલ સંચાલકોને અપાયેલી સૂચના પ્રમાણે જો ક્લાસમાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ અથવા પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક ઉપરકરણો જેમ કે કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ વોચ કે કેમેરાવાળા કેલક્યુલેટર કે સાયન્ટિફિક કેલક્યુલેટર સાથે પકડાશે તો તે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ કરીને જે તે વસ્તુ પોલીસ મથકમાં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર એક ટેકનિકલ કર્મચારીની સ્કૂલોએ નિમમઊંક કરવાની રહેશે.જેણે સીસીટીવીનુ ધ્યાન રાખવાનુ રહેશે અને પરીક્ષા પૂરી થયા બાદ સીસીટીવીનુ રેકોર્ડિંગ ઝોનલ કચેરી અને ડીઈઓ કચેરીને આપવાનુ રહેશે. પરીક્ષાના આગલા દિવસે 2-30 થી 5 દરમિયાન બેઠક વ્યવસ્થા જોઈ શકાશે.
પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરુ થવાના આગલા દિવસે 2-30 થી પ-00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકે તે માટે સ્કૂલ ખુલ્લી રાખવાની રહેશે. પહેલા દિવસે દરેક સ્કૂલમાં વિદયાર્થીઓનુ સ્વાગત ફૂલ-સાકર કે ગોળ-ધાણાથી કરવુ, દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે પશ્ચાતાપ પેટી મુકવી, વર્ગની બહાર બૂટ મોજા કાઢવાની સૂચના આપવી, પરીક્ષા સ્થળ પર સંચાલક મંડળના કોઈ સભ્યની હાજરી હોવી જોઈએ નહી, પ્રશ્નપત્રોનુ બોક્સ પરીક્ષાની પંદર મિનિટ પહેલા સીસીટીવીની સામે સરકારી પ્રતિનિધિની હાજરીમાં ખોલવુ.
115 છાત્રોને 40 કિ.મી. દૂર કેન્દ્ર ફાળવાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા ત્રણ સ્કૂલના 115 વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર જેતપુરમાં ફાળવવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓએ દરરોજ 40-45 કિમીથી વધુ મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર પહોંચવાનું રહેશે. જેથી તેમણે પરીક્ષા પણ ચૂકવવનો ભય છે. બહુ મહેનત કરીને વિદ્યાર્થીઓએ ધોરણ 10માં પ્રવેશ મેળવ્યો છે. જો જીએસએચએસઈબી વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર નહીં બદલે તો વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવાનું સપનું આખરે છોડી દેવું પડશે. જો પરીક્ષા સેન્ટર ન બદલાય તો વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે દરરોજ 8 કલાકની મુસાફરી કરવી પડશે. બોર્ડના નિયમો મુજબ, એસએસસીના 250 વિદ્યાર્થીઓ ધરાવતા વિસ્તારને પરીક્ષા કેન્દ્ર ફાળવી શકાતું નથી. વિદ્યાર્થીઓએ તેમના ગામેથી દેવકી ગાલોલ જવા માટે દરરોજ 20 કિમીની મુસાફરી કરવી પડશે. તો જેતપુર પહોંચવા માટે વધુ 20 કિમીની મુસાફરી કરવી પડશે. જેથી ઘણા વિદ્યાર્થીઓ 5 માર્ચે યોજાનારી જજઈની પરીક્ષા છોડી દેવાનું વિચારી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ