સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસભર અષાઢી માહોલ વચ્ચે કેટલાક સ્થળે માવઠુ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,25
કચ્છમાં આજે હવામાન પલ્ટો થયો હતો અને વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. કચ્છ ઉપરાંત ભરૂચ, જંબુસર અને વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.
માવઠાની આગાહી વચ્ચે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. હવામાન પલ્ટાના કારણે સવારથી ધાબડિયુ વાતાવરણ સાથે ઠંડા પવન ફુંકાયા હતા. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા બાદ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તેજીથી વધતા રોગચાળાને અટકાવવા તંત્ર મરણિયા પ્રયાસ કરે છે ત્યારે કુદરત તંત્રને સાથ આપતી નથી.
કોરોનાએ આખા વિશ્વને ધુણાવી દીધુ છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટમાં આજે ધાબડિયા વાતાવરણમાં લઘુતમ તાપમાન 22.9 ડીગ્રી નોંઘયુ હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા અને 8 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કોરોનાના કહેર વચ્ચે આગાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્યતા છે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાન 38-39 ડીગ્રીએ પહોચી ગયુ છે પરંતુ અચાનક હવામાન પલ્ટાના કારણે ફરી તાપમાનમા બે – ત્રણ ડિગ્રીની ઘટાડો નોંધાશે. કેશોદમાં આજે 21.4, ભાવનગર 26, પોરબંદર 23.5, વેરાવળ 23.6, દ્વારકા 23.6, ઓખા 23.3, ભૂજ 22.4, નલિયા 20.4, સુરેન્દ્રનગર 24.6, અમરેલી 22.4, મહુવા 24 અને દિવમાં 22.2 ડિગ્રી નોંધાયુ હતું.

રિલેટેડ ન્યૂઝ