સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટી રાહત: 24 કલાકમાં થયેલા તમામ રીપોર્ટ નેગેટીવ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.3
સમગ્ર રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં તંત્રની કામગીરી અને લોકડાઉન રંગ લાવ્યું હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના દર્દીઓમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ એક પણ દર્દી કોરોના પોઝીટીવ ન આવતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
રાજયભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 9 વ્યકિતના મોત નિપજયા છે. ત્યારે 89 લોકો કોરોના વાયરસમાં સપડાયા છે.
સૌરાષ્ટ્રમાં લોકડાઉન સફળ થયું હોય તેમ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં રાજયનો પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીઓના દિન પ્રતિદિન વધારા સાથે કોરોના ગ્રસ્તોની સંખ્યા 10 પર પહોંચી હતી. જેમાં રાજયનો પ્રથમ કોરોનાગ્રસ્ત યુવાન સાજો થતા તેને રજા આપવામાં આવતા હાલ નવ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાની સાકળ તુટી હોય તેમ શંકાસ્પદ દર્દીઓમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે 16 શંકાસ્પદનાં રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતા. સતત ચોથા દિવસે તમામ શંકાસ્પદ વ્યકિત કોરોનામુકત જાહેર થતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
જામનગર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં આજે કોરોનાવાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ના કુલ 15 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા.જે તમામ ના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. જેમાં માત્ર પોરબંદરના એકી સાથે 14 સેમ્પલ હતા તેમજ એક દેવ ભૂમિ દ્વારક જિલ્લા નું હતું.
જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કાર્યરત રહેલી કોરોનાવાયરસ ના સેમ્પલો ની ચકાસણી માટેની લેબોરેટરીમાં આજે સવારે 15 સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જેમાં પોરબંદરના 14 સેમ્પલો જ્યારે એક દેવભૂમિ દ્વારકા નું સેમ્પલ આવ્યું હતું
આજે જામનગર શહેર- જીલ્લા માથી એક પણ સેમ્પલ ચકાસણી માટે આવ્યું નથી. તમામ 15 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ મળતા તંત્ર એ મોટી રાહત અનુભવી હતી.
વેરાવળ
ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહેલ છે. જીલ્લાનાં વડામથક વેરાવળ ખાતે બે પોઝીટીવ કેસ અગાઉના નોંધાયેલ છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ઘરે-ઘરે જઇને સ્ક્રીનીંગ કરવામાં આવી રહેલ છે. જાગૃત નાગરિકો દ્વારા સરકારના આદેશનું પાલન કરી અને અનુસાશનમાં રહીને પોતાના તરફથી આરોગ્ય વિભાગને પુરતો સહયોગ આપી રહેલ હોય જેના પરિણામે જિલ્લામાં આજે બીજા દીવસે કોઇ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી.
આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોના વાયરસના 20 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ તેમાંથી બે દર્દીના પોઝીટીવ રીઝલ્ટ આવેલ અને 18 દર્દીના નેગેટીવ રીઝલ્ટ આવેલ તેમજ 18 દર્દીઓને આઇસોલેશન માંથી રજા આપવામાં આવેલ અને બે કોરોના વાયરસના પોઝીટીવ દર્દીને સારવાર માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વિદેશથી આવેલ કુલ 199 પેસેન્જરોમાંથી 75 પેસેન્જરોનું કોરોન્ટાઇન પૂર્ણ થયેલ છે. કોરોન્ટાઇન ફેસીલીટી ખાતે રાખેલ 16 અને 124 પેસેન્જરો હોમ કોરોન્ટાઇન હેઠળ છે. જિલ્લાની 12,54,185 વસ્તી માંથી 97 ટકા વસ્તીનું સ્ક્રીનીંગ પૂર્ણ કરવામાં આવેલ છે. સામાન્ય તાવનાં દર્દી 770, કફનાં દર્દી 1480 ની સ્થળ પર સારવાર આપેલ છે.
દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં
આજ સુધીના તમામ કેસો નેગેટિવ: 200 લોકો બોટ કવોરોન્ટાઈનમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે આજ સુધી શંકાસ્પદ એવા 19 આસામીઓના ટેસ્ટ કરાયા હતા. જે તમામ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
હાલ ખંભાળિયાની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ ઉપરાંત જિલ્લામાં હોમ કવોરોન્ટાઈનમાં 251 વ્યક્તિઓ છે. જ્યારે સરકારી કવોરોન્ટાઈન રૂમમાં 27 લોકોને સારવાર હેઠળ રખાયા છે.
આ ઉપરાંત સલાયા તથા ઓખાના દરીયામાં 200 જેટલા વહાણવટીઓ- માછીમારોને બોટ કવોરોન્ટાઈનમાં દરિયામાં જ રાખવામાં આવ્યા છે. જ્યારે 173 વ્યક્તિઓના ચૌદ દિવસના ફોલો – અપ પૂર્ણ થતા તેમને સંપૂર્ણ રીતે ભયરહિત ગણી, રજા આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ