ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

ગાંધીનગર: રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા. 21મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ 2,317 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે 31 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે.

આ 2,317 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે. આ 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે 10 લાખ 15 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં સુપેરે પહોચાડવાની વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવે વધુમાં જણાવ્યું કે તા.21મી મેની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો – કામદારોને વતન રાજ્ય મોકલવા માટે જે 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. તેમાં ઉત્તરપ્રદેશ માટે 462, બિહાર માટે 126, છત્તીસગઢ માટે 10, જમ્મુ-કાશ્મીર માટે 01, ઝારખંડ માટે 24, મધ્યપ્રદેશ માટે 24, મહારાષ્ટ્ર માટે 01, મણીપુર માટે 01, ઓરિસ્સા માટે 40, રાજસ્થાન માટે 01, તમિલનાડુ માટે 02, પશ્ચિમ બંગાળ માટે 02, ઉત્તરાખંડ માટે 05 શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે 10 લાખ 15 હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ