આર્થિક મંદી ઈફેકટ: દુનિયાભરમાં અબજોપતિની સંખ્યા સાડા ત્રણ ટકા ઘટી

ભારતમાં પણ સંખ્યામાં 8.9 ટકાનો ઘટાડો: અદાણી-અંબાણી-દામાનીની સંપતિ ઓછી થઈ; પુનાવાલા-કે.પી.સિંહ-બિરલાની વધી

નવી દિલ્હી તા.8
ભારતમાં અર્થતંત્ર વિશે ભલે ગુલાબી ચિત્ર રજુ થઈ રહ્યું હોય પરંતુ વિશ્ર્વનાં અન્ય દેશોમાં હાલત ખરાબ છે અને તેને કારણે દુનિયાભરમાં અબજપતિઓની સંખ્યામાં સાડા ત્રણ ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકી ડેટા ઈન્ટેલીજન્સ ફર્મ અલટ્રાટા દ્વારા અબજપતિઓની નવી યાદી દર્શાવતો રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે જે અંતર્ગત અબજપતિઓની સંખ્યા એક વર્ષમાં 3310 થી ઘટીને 3094 રહી ગઈ છે. વર્ષ 2018 પછી પ્રથમ વખત ધનીકોની સંખ્યા ઘટી છે. સમગ્ર દુનિયામાં આ સંખ્યામાં સરેરાશ 3.5 ટકાનો ઘટાડો થયો છે.
રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે અબજોપતિઓની સરેરાશ ઉંમર 67 વર્ષ છે.42 ટકા અબજોપતિઓની વય 72 વર્ષથી વધુ છે. જયારે 10 ટકાની ઉપર 50 વર્ષની નીચેની છે.
દુનિયાનાં 15 દેશોમાં અબજોપતિઓનો સૌથી વધુ વસવાટ છે. તેમાંથી 11 માં સંખ્યા ઘટી છે. ભારતમાં પણ 8.9 ટકા અબજોપતિ ઘટયા છે. ચીનમાં 10.8 ટકાનો ઘટાડો છે.વિશ્ર્વના 16 મોટા શહેરોમાં 29 ટકા અબજોપતિ રહે છે. ભારતનું મૂંબઈ પણ તેમાં એક છે. દસ લાખની વસ્તીનાં ધોરણે સૌથી વધુ અબજોપતિ હોંગકોંગના તથા સ્વીટઝરલેન્ડમાં છે. મુંબઈમાં 38 અબજોપતિઓનો વસવાટ છે.ભારતને લાગે વળગે છે ત્યાં સુધી સાયરસ પુનાવાલા, કે.પી.સિંહ તથા કુમાર મંગલમ બિરલાની સંપતીમાં વધારો થયો છે. જયારે ગૌતમ અદાણીની સંપતી 59 અબજ ડોલર ઘટી છે. મુકેશ અંબાણીની સંપતીમાં 2.16 અબજ ડોલર તથા રાધાક્રિશ્ર્ન દામાણીની સંપતિમાં 2.24 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે રશીયા-યુક્રેન યુદ્ધ મોંઘવારીને કારણે આર્થિક અસ્થિરતા વ્યાજદરમાં વૃદ્ધિ, આર્થિક મંદીની આશંકાથી માર્કેટોમાં સુસ્તી તથા મોટાપાયે છટણી જેવા કારણો આ હાલત માટે જવાબદાર છે.

રિલેટેડ ન્યૂઝ