નાના ધંધા-રોજગાર માટે લોન-સહાય આપી પહેલા કરતા સવાયા બેઠા કરવાની પ્રતિબધ્ધતા: મુખ્યમંત્રી

આત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા: ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.ર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના 65 માં જન્મદિવસને નાના ધંધા-રોજગાર વ્યવસાયકારોના આર્થિક પુનરોત્થાન માટે સમર્પિત કરતા આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે 100 કરોડ રૂપિયાના ધિરાણ-સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ ગાંધીનગરથી કર્યું હતું
મુખ્યમંત્રીએ રાજકોટ નાગરિક સહકારી બેંકના ઉપક્રમે આયોજિત આ લોન સહાય વિતરણમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા લોકડાઉનમાં આર્થિક નુકસાન સહન કરનારા નાના વેપારી ધંધા-રોજગાર કરનારાઓને આ સહાયથી પહેલા કરતાં સવાયા બેઠા કરવાની
રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા નાના કારીગરો ધંધા-વ્યવસાયકારોને પાંચ-પચ્ચીસ હજારની રોકડ સહાય આપી પ્રસિદ્ધિ મેળવી લેનારી આ સરકાર નથી.
આપણે તો નાના પણ મોટા મનના ઈમાનદાર લોકોને આર્થિક રીતે પુન:બેઠા કરવા તેમની આંગળી પકડીને સ્થિર આવક આપવાની મથામણ આદરી છેે. એમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ મથામણના પરિપાકરૂપે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત રૂ. 1 લાખ સુધીની લોન આપી રહ્યા છીએ.
વિજયભાઈ રૂપાણી ઉમેર્યુ કે આવા કારીગરો-વ્યવસાયકારોની મહેનત એળે ન જાય, તેમને ધંધા-વ્યવસાય માટે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાનભેર લોન સહાય મેળવી ફરી બેઠા થાય તે માટે રાજ્ય સરકાર નાગરિક સહકારી બેંકો દ્વારા રૂ. 1 લાખ સુધીની લોન માત્ર બે ટકા એ આપે છે.
તેમણે રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત નાગરિક સહકારી બેંકોએ આ માટે સરકારને આપેલા સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે, પનાના માણસોની મોટી બેંક નાગરિક બેંકો છેથ.
તેમાંથી પ્રેરણા લઈ જો મોટી બેન્કો પણ 100 કરોડના આવા લોન સહાયના ટાર્ગેટ સાથે આગળ આવે તો રાજ્યભરમાં 3 હજાર કરોડ રૂપિયાની સહાયથી નાના ધંધા- વ્યવસાયકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે પાંચ લાભાર્થીઓને ગાંધીનગરમાં ટોકન રૂપે આ સહાયના ચેક વિતરણ કર્યા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં 196 નાગરિક સહકારી બેંકો, 17 જિલ્લા મધ્યસ્થ બેન્કો અને 169 શરાફી સહકારી મંડળીઓએ 53952 વ્યક્તિઓને કુલ 539 કરોડ રૂપિયાની સહાય લોન આપી છે. આ લોન માત્ર બે ટકાના વ્યાજે અને પ્રથમ છ મહિના એક પણ હપ્તો નહીં ભરવાની સુવિધા સાથે આપવામાં આવેલી છે.

રિલેટેડ ન્યૂઝ