રૂની બજારમાં તેજી, રૂા.900ના ઉછાળા સાથે ભાવ રૂા.40,200ની ટોચે

(વરસાદી વાઅતાવરણમાં ખપત ઘટતાં રાજ્યમાં ખાંડનો ભાવ રૂા.10 ઘટ્યો

સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂા.1300થી 1310 જળવાયેલો રહ્યા

પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.19
ગુજરાત સંકર રૂમાં પુરપાટ તેજી આગળ વધી છે. રૂા.900ના ઉછાળા સાથે ભાવ ચાલુ સીઝનમાં રૂા.40,200ની ટોચે પહોંચી ગયો છે. મલેશિયન પામતેલમાં 98 રીંગીટનો કડાકો હતો. એરંડામાં સુધારો હતો. કપાસિયા-ખોળમાં રૂા.5-10નો ઘટાડો હતો. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળી અને કપાસની આવક અનુક્રમે સવાલાખ ગુણી અને સવા લાખ મણની હતી. રાજકોટની બજારમાં પેકર્સોએ સીંગતેલમાં રૂા.10 અને પામતેલમાં રૂા.5 વધારી દેતા બન્નેના ડબાના ભાવ અનુક્રમે રૂા.2190-2230 અને રૂા.1395-1400 હતાં. ગુજરાતમાં ખપતના અભાવે ખાંડના ભાવમાં રૂા.10નો ઘટાડો હતો. સોના-ચાંદી વધ્યા હતા.
એરંડા
એરડાના વાયદામાં સુધારો હતો. હાજરમાં વધઘટ ન હતી. બ્રોકરો કહે છે કે, ચાલુ સીઝનમાં એરંડાની આવક 50 હજાર ગુણીએ પહોંચી જવી જોઈએ. પણ વરસાદ ઉપરાંત ભાવ વધવાની ખેડૂતો રાહ જોઈ બેઠા હોવાથી પીઠાઓમાં 30-35 હજાર ગુણીની આવક થાય છે. સ્ટોક્સ્ટિો પણ ભાવ વધવાની આશાએ સ્ટોક કરતાં જાય છે. સોમવારે ગુજરાતના પીઠાઓમાં 35-37 હજાર ગુણીની આવક થતાં એરંડા રૂા.815-830માં વેચાયા હતા. સૌરાષ્ટ્રમાં 2400-2500 ગુણીની આવક થતાં રૂા.780-816માં ખપ્યા હતા.
એરંડાના વાયદામાં સુધારો હતો. હાજરમાં વધઘટ ન હતી. એનસીડેકસમાં એરંડાનો ઓકટોબર વાયદો રૂા.42 વધીને રૂા.4174ના સ્તરે હતો. કંડલા ડિલિવરીની શરતે દિવેલનો ભાવ રૂા.870 જળવાયેલો હતો. દિવસ દરમિયાન દિવેલમાં આશરે 200-300 ટનના સોદા થયા હતા. એરંડા ખોળના રૂા.7900 અને કિડેકના રૂા.5900 સ્થિર હતા. મિલોમાં શીપર્સની ખરીદીમાં વધઘટ ન હતી. જગાણામાં રૂા.855માં ખરીદી થઈ હતી. કડીમાં રૂા.852માં હતી. કંડલામાં રૂા.848માં હતી. શાપુર અને ગીરનારમાં રૂા.835-840માં ખરીદી થઈ હતી.
કપાસ-રૂ
રૂ બજારમાં પુરપાટ તેજી આગળ વધી છે. વિદેશમાં સારા રૂની માગ નિકળી છે. પણ દેશમાં જૂજ મિલોમાં સારૂ રૂ બનતું હોવાથી સારી ગુણવતાવાળા માલની અછત વચ્ચે રૂના ભાવ ઉંચકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગુજરાત સંકર રૂનો ભાવ ખાંડીએ ર9મીમીમાં રૂા.900 ઉછળીને રૂા.40000-40200ની સપાટીએ પહોંચી ગયો છે.. દેશમાં આશરે 78000-80000 ગાંસડીની અને ગુજરાતમાં 20000-22000 ગાંસડીની આવક હતી. બ્રોકરોએ કહ્યું કે, ચાલુ સિઝનમાં આ સમયે ગાંસડીની આવક 1 લાખને પાર થઈ જવી જોઈએ પણ વરસાદી માહોલે આવકમાં અવરોધ ઉભો કર્યો છે.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની આવક આશરે સવાલાખ મણની હતી. રાજકોટમાં 5250 મણ કપાસના રૂા.816-113માં વેપાર થયા હતા. ગોંડલમાં 9800 મણની આવક થતાં રૂા.820-1096માં ખપ્યો હતો. બોટાદમાં 39920 મણ કપાસ રૂા.878-1117માં વેચાયો હતો. આ સિવાય અમરેલી-બાબરામાં 12000, જસદણમાં 8000, હળવદમાં 7640, ગઢડામાં 4000, સાવરકુંડલામાં 3000 મણ આવક મુખ્ય હતી. જ્યારે જેતપુર, ભાવનગર, વાંકાનેર, જૂનાગઢ, મોરબી, ધોરાજી, જામનગર, ભેંસાણ, ઢસામાં પરચુરણ આવક હતી.
કપાસિયા અને ખોળમાં હાજર માલની અછતને લીધે સરેરાશ રૂા.5-10નો સુધારો થયો હતો. જૂના કપાસિયાના રૂા.430-450 હતા. નવાના રૂા.490-505 હતા. ગામડે બેઠા રૂા.1000-1025માં મળતો હતો. જીન પહોંચના રૂા.1040-1060 હતા. એનસીડેકસમાં કપાસિયા ખોળનો ડિસેમ્બર વાયદો રૂા.31 તૂટીને રૂા.1790ના સ્તરે હતો. 50 કિલો બ્રાન્ડેડ ખોળના રૂા.1050-1130 હતા. નોનબ્રાન્ડેડના રૂા.1000-1050 હતા. મિકસ ખોળના રૂા.970-990 હતા. કડીમાં 60 કિલો ખોળના રૂા.1225-1250 જળવાયેલા હતા.
મગફળી-સીંદગાણા
સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક આશરે સવાલાખ ગુણીની હતી. રાજકોટમાં વરસાદી વાતાવરણને લીધે અગાઉના માલનો નિકાલ કરી દેવાતા મગફળીની આવક બંધ કરાઈ છે. ગોંડલમાં ગત રાત્રીના આશરે 50-55 હજાર ગુણીની થઈ હતી. તેમાંથી 30 હજાર ગુણીની વેપાર થતાં ઝીણી રૂા.720-1171 અને જાડી રૂા.700-1111માં વેચાઈ હતી. મહુવામાં રૂા.885-1202માં 18760 ગુણીના વેપાર થયા હતા. આ સિવાય જેતપુર, વાંકાનેર, જસદણ, ભાવનગર, વિસાવદર, અમરેલી, જૂનાગઢ, બાબરા, જામજોધપુર, બોટાદ, હળવદ અને ભેંસાણમાં મગફળીની પાંખી આવક હતી.
સીંગદાણાના ભાવમાં કોઈ વધઘટ ન હતી. પીપાવાવ પહોંચની શરતે આશરે 1400-1500 ટનના કામકાજ થયા હતા. જાડા દાણામાં 50-60 કાઉન્ટના રૂા.71,000 અને 40-50ના રૂા.74,000 હતા. ટીજે 80-90ના રૂા.70,000 અને પ0-60ના રૂા.75,500 હતા. જાવામાં રૂા.75,000 અને રૂા.84,000 કાઉન્ટ પ્રમાણે બોલાતા હતા.
સીંગતેલ-કપાસિયા-પામ-સોયા
સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂા.1300-1310 જળવાયેલો હતો. લૂઝમાં આશરે 20-25 ટેન્કરના કામકાજ થયા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂા.2005-2006 હતો. ગોંડલમાં રૂા.1290 અને જામનગરમાં રૂા.1300માં ઓફર થતી હતી. છતાં લેવાલી ન હતી. સીંગખોળના રૂા.250 વધીને રૂા.26,750 હતા.
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂા.900-903 હતો. વોશમાં આશરે 15-20 ટેન્કરના સોદા થયા હતા. મલેશિયન ક્રૂડ પામતેલના વાયદામાં 98 રીંગીટનો કડાકો હતો. જાન્યુઆરી મહિનાનો કોન્ટ્રાકટ 2772ના સ્તરે બંધ થયો હતો. કંડલા બંદરે હાજર પામતેલ રૂા.5 ઘટીને રૂા.842-843 હતું. સોયાતેલ રૂા.928-930 જળવાયેલું હતું.
ખાંડ
વરસાદી વાતાવરણ વચ્ચે ખાંડની ખપત ઘટી જતાં ગુજરાતમાં રૂા.10નો ઘટાડો થયો હતો. ગુજરાતમાં આશરે 8-10 ગુણીના કામકાજ વચ્ચે એસ રૂા.3365 હતી. એમ રૂા.3395 હતી. મહારાષ્ટ્રમાં 30-35 હજાર ગુણીના કામકાજ થતાં એસ 30 રૂા.3240-3300માં અને એમ 30 રૂા.3372-3425 હતી. રાજકોટમાં 1000 ગુણીના કામકાજ સામે ભાવ જળવાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ