સિસ્કોનાં ભૂતપૂર્વ ચેરમેને આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીની પ્રશંસા કરી

મુંબઈ, તા.12
આરઆઇએલએ છેલ્લાં થોડાં વર્ષોમાં ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે. આ માટે તાજેતરમાં સિસ્કોનાં ભૂતપૂર્વ સીઇઓ જોહન ટી ચેમ્બર્સે એશિયાનાં ધનકુબેર મુકેશ અંબાણીની પ્રશંસા કરી હતી. ધ ઇનોવેટર મેગેઝિન સાથે વાત કરતાં જોહન ટી ચેમ્બર્સે જણાવ્યું હતું કે, ડિજિટાઇઝેશનનાં ટ્રેન્ડની સાથે આરઆઇએલની કામગીરી પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, એનાથી આરઆઇએલને પરિવર્તનનાં તબક્કામાં આગળ રહેવામાં મદદ મળશે.
જોહન ચેમ્બર્સે આ વાત ટ્વીટ પણ કરી હતી અને કહ્યું હતું કે, મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ધ ઇનોવેટરમાં જોઈને આનંદ થાય છે. મુકેશ અંબાણીએ ટેકનોલોજીનાં ટ્રેન્ડને સમજીને ઉદાહરણ સ્થાપિત કર્યું છે તથા સાહસિક, સ્માર્ટ નિર્ણય લીધો છે, જે કંપનીને બજારમાં પરિવર્તનનાં તબક્કામાં આગળ રહેવામાં મદદ કરશે.
મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ એના યુઝર્સને શરૂઆતમાં ફ્રી 4જી ડેટા આપીને દેશમાં ડેટા ક્રાંતિ કરી છે. જ્યારે કંપનીએ પાછળથી સર્વિસમાં ચાર્જ લેવાની શરૂઆત કરી હતી, ત્યારે એનાં દર હરિફ કંપનીઓનાં દરથી મામૂલી હતા. ગયા વર્ષે 41મી એજીએમમાં આરઆઇએલએ 5 સપ્ટેમ્બરથી વાણિજ્યિક ધોરણે જિયો ફાઇબર સેવાઓ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી તેમજ અનેક નવી સેવાઓ પણ જાહેર કરી હતી. આ નિર્ણય જિયો ફાઇબર સેવાઓમાં વધારો કરશે, જેને મુકેશ અંબાણી-સંચાલિત જૂથનું રિલાયન્સ જિયોનાં લોંચ પછીનું વધુ એક પરિવર્તનકારક પગલું ગણવામાં આવે છે.
હવે કંપની દેશમાં 5જી સેવાઓ શરૂ કરવા સજ્જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અગાઉ જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમની ફાળવણી માટેની સ્પષ્ટ યોજના ભારતને 5જી સ્પેસમાં લીડર તરીકે સ્થાપિત કરશે.
રિલાયન્સ જિયો ઇન્ફોકોમનાં બોર્ડનાં સભ્ય મહેન્દ્ર નાહટાએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2019માં કહ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમની કિંમત પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે.
ઊંચી ફ્લોર પ્રાઇસથી 5જી નેટવર્ક અવ્યવહારિક બનશે અને એમાં વિલંબ થશે. એટલે સરકારી આવક અને સંપૂર્ણ વૃદ્ધિ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર પડશે.

રિલેટેડ ન્યૂઝ