તુક્કલ-ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને થશે 6 માસની કેદ

રાજકોટ, તા. 8
રાજ્ય સરકાર દ્વારા તુક્કલ અને ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેની કડક અમલવારી માટે આજે કલેક્ટર કચેરીમાં પતંગ-દોરાના વેપારીઓ સાથે કલેકટર- પોલીસતંત્રની બેઠક મળી હતી.
અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જિલ્લામાં તુક્કલ અને ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામનો ભંગ કરી તુક્કલ અને ચાઇનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારીને 15 થી 10 હજારનો દંડ ફટકારવામાં આવશે, એટલું જ નહીં 6 મહિલાની કેદ કરવામાં આવશે.
આજે કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, રાજકોટ ડીસીપી-1 ઝોનના ડીસીપી રવી મોહન શૈનીની ઉપસ્થિતિમાં સદર સહિત શહેરના પતંગ- દોરાનું વેચાણ કરતા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં પ્રતિબંધિત તુક્કલ અને ચાઇનીઝ દોરા ન વેચવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આમ છતાં આવી પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરનાર વેપારીઓ ઉપર દરોડો પાડવામાં આવશે. રાજકોટ જિલ્લા માટે અધિક કલેક્ટર દ્વારા 11 ટીમ બનાવવામાં આવી છે અને શહેરના પોલીસ તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવશે.
આ ઉપરાંત ઉતરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને ઇજા ન થાય તે માટે કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ શહેર જિલ્લાની તમામ શાળામાં પક્ષી બચાવતો વીડિયો બતાવવામાં આવશે. આ માટે તમામ શાળામાં પરિપત્ર કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ