ઓખાના દરિયામાં બે મહાકાય જહાજો વચ્ચે અકસ્માતમાં ભભુકી ભીષણ આગ

સદનશીબે તમામ ક્રુ મેમ્બરોને બચાવી લેવાયા: સુરક્ષા એજન્સીની સારી કામગીરી

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા.27
ભારતના ઓખાના અરબી સમુદ્ર વિસ્તારમાં ગઈકાલે બે વિશાળ શિપ વચ્ચે ટક્કર સર્જાતા આ બંને વહાણમાં નોંધપાત્ર નુકસાન થવા પામ્યું છે. ઓઈલ સાથેના આ જહાજમાં ઓઈલ લીકેજ સંદર્ભે તેમજ બંને વહાણના ક્રૂ મેમ્બરોને બચાવી લેવા માટે સુરક્ષા એજન્સી તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઓખાથી કચ્છ વચ્ચેના અરબી સમુદ્રમાં ઓખાથી આશરે દસેક નોટિકલ માઈલ દૂર ભારતનું એમ.વી. માય એટલાન્ટિક ગ્રેસ અને ફિલીપીન્સના માય એવિયેટર નામના બે જહાજ વચ્ચે ગઈકાલે શુક્રવારે રાત્રે ટક્કર થવા પામી હતી. આ અંગેની જાણ ભારતીય સુરક્ષા એજન્સી વિભાગને કરવામાં આવી હતી. જેના અનુસંધાને સુરક્ષા એજન્સી તથા કોસ્ટ ગાર્ડ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને બંને જહાજમાં રહેલા કુલ 43 મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઓઇલ સાથે જઇ રહેલા જહાજમાંથી ઓઈલ દરિયામાં ભળી ન જાય અને જળ પ્રદૂષણ ન ફેલાય તે માટેની જરૂરી તાકીદની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારતના જહાજમાં રહેલા 21 તથા ફિલિપિન્સના જહાજમાં રહેલા 22 મળી, તમામ 43 ક્રુ મેમ્બરોને સલામતીપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. આ બંને જહાજ વચ્ચે કયા કારણોસર ટક્કર થઇ તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અકસ્માતના કારણે દરિયામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે કોસ્ટ ગાર્ડ તથા હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. મધદરિયે બે વિશાળ જહાજ વચ્ચેની ટક્કરે આશ્ચર્યની લાગણી પણ પ્રસરાવી છે.

રિલેટેડ ન્યૂઝ