પોલીસના વ્યાજખોર પુત્રનો આતંક: 10 ટકા વ્યાજ વસુલી યુવાનને બેફામ માર માર્યો

જામનગરની ઘટનામાં 45 પાઇપના ઘા મારી 100 ઉઠબેસ કરાવતા યુવાનની કિડનીને પણ પહોંચાડી ઇજા

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 27
જામનગર શહેરના એક પોલીસ પુત્ર એવા વ્યાજ ખોર શખ્સે ભારે આતંક મચાવ્યો છે. ધોબી કામ કરતા એક યુવાનને 33 હજાર રૂપિયા ,વ્યાજે આપ્યા પછી તેનું 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસુલી 20 હજારની રકમ પડાવી લીધા પછી પણ મુદ્દલ કઢાવવાના ભાગરૂપે વેપારી યુવાન ને ઓફિસે બોલાવી 45 જેટલા પ્લાસ્ટિક ના પાઇપ મારી 100 ઉઠક બેઠક કરાવતાં તેની બંને કિડનીઓ ને અસર થવા પામી છે, અને જી.જી. હોસ્પિ.માં 17 ડાયાલિસિસ કરવા પડ્યા છે. જેનો ધંધો પણ બંધ થયો છે. આખરે મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ પહોંચ્યા પછી ગઈકાલે પોલીસ મથકમાં વ્યાજખોર પોલીસ પુત્ર સામે ગુનો દાખલ કરાયો છે.
જામનગર શહેરમાં વ્યાજખોરીના મામલે આતંક જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહન નગર વિસ્તારમાં રહેતા રશ્મિન હસમુખભાઈ ગણાત્રા નામના 37 વર્ષના યુવાને પોતાના ઉપર પ્લાસ્ટિકના પાઈપ વડે 45 જેટલા આડેધડ ઘા ઝીંકી દઇ 100 ઊઠક બેઠક કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવા અંગે જામનગરના પોલીસ પુત્ર પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.
ફરિયાદી યુવાન રશ્મિન ગણાત્રા કે જેને લોકડાઉન દરમિયાન ધોબી ની દુકાન બંધ હોવાથી આર્થિક સંકટ ઊભું થતા જામનગરની દિપક શોપિંગ સેંટર માં ફાઇનાન્સ ની ઓફિસ ધરાવતા પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા કે જેના પિતા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે, જે પોલીસ પુત્ર પ્રિયરાજસિંહ પાસેથી આજથી 12 મહિના પહેલા 33 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જેનું નવ મહિના સુધી 3,300 રૂપિયા 10 ટકા લેખે વ્યાજ ભરી દીધું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાના હપ્તા ચડી જતાં ભરી શકાયા ન હતા.
જે વસૂલવાના ભાગરૂપે પ્રિયરાજસિંહ એ રશ્મિન ગણાત્રાને પોતાની ઓફિસે બોલાવ્યો હતો, ત્યાં બળજબરીથી પૈસા કઢાવવા માટે સૌપ્રથમ 100 ઉઠક બેઠક કરાવી હતી, ત્યાર પછી તેને નિર્વસ્ત્ર કરી બાંકડા પર ઊંધો સુવડાવી પ્લાસ્ટિક ના પાઇપ ના 45 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે પોતે અધમૂવો થઈ ગયો હતો, અને બંને કિડનીઓ ડેમેજ થઇ ગઇ હતી.
આ સમયે તેની પત્ની ખ્યાતિ ગણાત્રા મદદે આવી હતી, અને પતિને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેની બંને કિડનીઓ ડેમેજ થઇ હોવાને લઈને કાળક્રમે અત્યાર સુધીમાં કુલ 17 જેટલા ડાયાલિસિસ કરવા પડ્યા હતા.
ગંભીર બીમારીમાં સપડાઈ જવાના કારણે રશ્મિનનો કામ-ધંધો છૂટી ગયો હતો અને આખરે ખ્યાતીબેન ના માતા પિતા એ ઘર ચલાવવા માટેની આર્થિક સુવિધાઓ પુરી પાડી છે, અને હાલ રશ્મિન ગણાત્રા તેમના પત્ની અને છ વર્ષની પુત્રીનું ઘર ગુજરાત ચાલી રહ્યું છે.
દરમિયાન રશ્મિન ના કાકા હરીશભાઇ ગણાત્રા કે જેઓ એડવોકેટ છે, જેમણે સમગ્ર મામલાને ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ લઈ જવા ની કાર્યવાહી કરી હતી, અને જામનગર શહેર વિભાગના એ.એસ.પી. નીતીશ કુમાર પાંડે તેમ જ સીટી-એ ડિવિઝનના પી.આઈ એમ. જે. જલુ સમક્ષ ઉપરોક્ત ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. જેના આધારે આખરે ગઈ કાલે રશ્મીન ગણાત્રા ની ફરિયાદના આધારે આરોપી પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા સામે પોલીસ મથકમા ગુનો નોંધ્યો છે. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

રિલેટેડ ન્યૂઝ