ભાઈના કાંડે રાખડી બાંધે તે પૂર્વે જ એકલૌતી બહેનનો આપઘાત

રાજકોટની ઘટનામાં સગીરાએ બિમારીથી કંટાળી ઝેર પી જીવન ટુકાવતા અરેરાટી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.9
શહેરમાં રાજમોતી મીલ પાછળ આવેલા મયુરનગરનામાં રક્ષાબંધનના બે દિવસ પહેલા જ એકના એક ભાઈની એકની એક બહેને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજ મોતી મીલ પાછળ આવેલા મયુરનગરમાં રહેતી રિધ્ધીબેન મનસુખભાઈ જેસાણી નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતાં. સગીરાને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ સગીરાએ ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક રિધ્ધીબેન જેસાણી એકના એક ભાઈની એકલોતી મોટી બહેન હતી. રિધ્ધીબેન જેસાણીએ ડાયાબીટીસની બિમારીથી કંટાળી ઝેરી ટીકડા પી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધનના બે દિવસ પૂર્વે જ એકના એક ભાઈની એકની એક બહેને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ