ડ્રાયવર અને ગાર્ડ ચા પીવા ગયાને લુંટારૂ વાન લઈ છૂ થઈ ગયો
તાજેતરમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઇન્સ્પેકટરની આખી જીપની ઉઠાંતરીનો કિસ્સો હજુ તાજો જ છે ત્યાં આજે કચ્છના ગાંધીધામમાં બેંકની રૂ.બે કરોડની રોકડ રકમ ભરેલી કેશ વાનની લુંટની ઘટના બનતા ભારે સનસનાટી મચી જવા પામી છે. જો કે સદનશીબે વાન ઉઠાવી જનાર શખ્સ ગભરાટના કારણે રોકડ ભરેલી વાન છોડીને નાશી જતા લુંટની મોટી ઘટના બનતા અટકી ગઇ હતી. મળતી માહીતી મુજબ ગાંધીધામમાં આજે સવારે એટીએમની બહાર કેશવાન ઉભી રાખી વાનના ડ્રાઇવર અને ગાર્ડ ચા પીતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ આ વાનની ઉઠાંતરી કરી નાશી છુટતા ભારે દોડધામ મચી ગઇ હતી. વાનના ડ્રાઇવરે રૂ.બે કરોડની કેશ ભરેલી વાન અજાણ્યો શખ્સ ઉઠાવી ગયાની પોલીસને જાણ કરતા પોલીસે વાન જે દિશામાં ગઇ હતી તે દિશામાં પીછો કરતા ગભરાઇ ગયેલો વાન ચાલક દુર વાન રેઢી મુકી નાશી છુટતા પોલીસે રાહતનો દમ લીધો હતો. ઘટના સ્થળેથી પોલીસે વાન કબજે લીધી છે અને વાનમાં રહેલી તમામ રોકડ રકમ પણ સુરક્ષીત હોવાનું જણાવ્યું હતું. આ કેશવાન અલગ અલગ એટીએમમાં નાણા લોડ કરવા નીકળી હોવાનું જાણવા મળ્યું છે આ દરમિયાન ડ્રાઇવર બેદરકારી પુર્વક વાનમાં જ ચાવી રાખી ચા પીવા જતા રહેતા આ ઘટન બની હોવાનું બહાર આવ્યું છે.