શિવ મહિમા – કિરણ ગોહિલ
ભગવાન શિવની ઉપાસના માટેની અનેક વિધિ,મંત્ર અને વિધાનો શાસ્ત્રોમાં સૂચવવામાં આવ્યા છે.એકાગ્ર ચિત્તથી કરવામાં આવતી નાના પ્રકારની સેવા કે પૂજા પણ ઉત્તમ ફળ આપનારી છે.ભગવાન શિવની આરાધના માટે ’શિવ સહસ્ત્રનામ’ અતિ ઉત્તમ ગણવામાં આવે છે.દેવતાઓ પણ શિવ સહસ્ત્રનામનો પાઠ કરીને દેવત્વને પામેલા છે.બ્રહ્માજી એ પોતે સહસ્ત્રનામનું ગાન કરેલું છે.પવિત્ર થઈને શિવને પ્રસન્ન કરનારા ઉત્તમ નામ વડે તેમનું સ્તવન કરનાર સાધક આત્મરૂપ શિવને પ્રાપ્ત થાય છે.ભગવાન શિવની કૃપા મનુષ્ય ઉપર થાય છે ત્યારે મનુષ્યને શિવ ઉપર ભક્તિ થાય છે.જ્યારે અંત:કરણ શિવમાં લીન થાય છે ત્યારે મનુષ્ય સિદ્ધિ પામે છે.જે મનુષ્ય પોતાના અંત:કરણપૂર્વક ભગવાન શિવમાં ભક્તિમાન હોય તેનો પ્રસન્ન અને ભક્ત વત્સલ ભગવાન ઉદ્ધાર કરે છે.શિવ સહસ્ત્ર નામ સ્તોત્રથી ઇન્દ્ર જેવા દેવોએ પણ ભગવાન શિવની સ્તુતિ કરેલી છે.ઉત્તમ ફળ આપનાર શિવના પ્રથમ દસ હજાર નામ હતા તેમાંથી દોહન કરીને સહસ્ત્ર નામાવલી થઈ છે.પ્રથમ આ સ્તવન બ્રહ્મા પાસે હતું.બ્રહ્માજીએ ઇન્દ્રને કહ્યું,ઇન્દ્ર એ મૃત્યુને કહ્યું,મૃત્યુએ રુદ્રને,રુદ્રએ તંડિ ને કહ્યું હતું.તંડિએ શુક્રને,શુક્રએ ગૌતમને,ગૌતમે વૈવસ્વત મનુ ને,મનુએ સાધ્યદેવ નારાયણને,નારાયણે ભગવાન યમને,યમે માર્કંડેયને,માર્કંડેયમુનિએ નારીકેતને,નારીકેતે તે સ્તવન ઉપમન્યુને આપ્યું હતું.ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની કાર્યસિદ્ધિ માટે તે સ્તોત્રની માંગણી કરતા ઉપમન્યુ એ તે સ્તોત્ર કૃષ્ણને આપ્યું.આ પ્રકારે આ શિવસ્તોત્ર જગતમાં પ્રસિદ્ધ થયું.આ સ્તોત્ર કામ,ભોગ,સર્વ સિદ્ધિ,સ્વર્ગ,આરોગ્ય,આયુષ્ય, ધન અને ધાન્ય આપે છે.આ સ્તોત્રનો જે પાઠ કરે છે તેને યક્ષ,રાક્ષસ,દાનવ,પિશાચ,યાતુધાન અને ગુહ્યક વિઘ્ન કરી શકતા નથી.જે સાધક ઇન્દ્રિયને વશ રાખી નિત્ય સ્નાન કરી એક વર્ષ અખંડ રીતે જો આ સ્તોત્રનો પાઠ કરે તો સાક્ષાત શંકર પ્રસન્ન થઈને દર્શન આપે છે.જે શિવની પાસે રોજ પાઠ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે અને પાતકથી મુક્ત થાય છે.ઉત્તમ ધ્યાન કરવા યોગ્ય એવું આ સહસ્ત્રનામ જો કોઈ પણ અંત કાળે ભણે તો પરમ ગતિને પામે છે.આ નામ પવિત્ર,મંગલકારક,પુણ્યમૂર્તિ અને ઉત્તમ છે.ભગવાન ચંદ્રશેખરના આ સહસ્ત્રનામ સ્તોત્રનું મુક્તિની કામનાવાળા સાધકે અવશ્ય ગાન કરવું જોઈએ.ૐ નમ: શિવાય…