રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં લોકડાઉનમાં 22 ઘરફોડ ચોરી કરનાર 4 તસ્કરો ઝડપાયા

શેરીમાં પાર્ક કરેલા વાહનો, ઘર-દુકાન-ફાર્મના તાળા તોડી ચીજવસ્તુઓ ઉઠાવી લેતા’તા

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા.29
શહેરમાં નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબીની ટીમે રાજકોટ શહેરની નોંધાયેલી 2 સહીત 5 મળી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરની કુલ 22 ચોરીને અંજામ આપનાર 4 શખ્સોને દબોચી લઇ 22 ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે આ ટોળકી રાત્રીના સમયે નીકળતી અને જે દુકાન, ગોડાઉન, ફાર્મહાઉસ બંધ જણાય તેના તાળા તોડી હાથફેરો કરી લેતી હતી તેમજ શેરીમાં પાર્ક કરેલા વાહનો પણ ઉઠાવી લેતી હતી
રાજકોટ શહેરમાં અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી સ્ટાફે નવા થોરાળા રામનગરમાંથી મૂળ થાનના હાલ વાંકાનેર રહેતા મોહસીનશાહ ઉર્ફે આશીફ જુસબશાહ રાઠોડ, મૂળ થાનના હાલ થોરાળાના રામનગરમાં રહેતા જહાંગીરશા રહેમાનશા રાઠોડ, થાનના સમીર ઉર્ફે સલીમ ઉર્ફે શાહરુખ અલ્લારખાભાઇ શામદાર અને થાનના મિતુલ પ્રવીણભાઈ પરમારને સકંજામાં લઇ આગવીઢબે પૂછતાછ કરતા તેઓએ 22 ચોરીની કબૂલાત આપી હતી આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એસીપી જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ ટોળકી રાત્રીના સમયે નીકળતી અને જે ગોડાઉન, દુકાન કે ફાર્મ હાઉસ બંધ જણાય તેના તાળા તોડી ચોરી કરી લેતી હતી તેમજ શેરીમાં પાર્ક કરેલા બાઈકની પણ ઉઠાંતરી કરી નાશી જતી હતી આ ટોળકીએ લોકડાઉન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 22 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે જેમાં રાજકોટમાં 5 ચોરી કરી હોય તે પૈકી 2 ચોરીની ફરિયાદ નોંધાવાઇ હોવાનું જાણવા મળ્યું છે આ ટોળકીએ કરેલી 22 ચોરી પૈકી રાજકોટના કુવાડવામાં 2, વાંકાનેરમાં 2, ચોટીલા અને થાનમાં એક-એક ફરિયાદ મળી કુલ 6 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે સફળ કામગીરી બદલ ડિટેક્શન કરનાર ટીમને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 4950, ચાંદીની 3 મૂર્તિ, 5 બાઈક, 1 સબમશીરબલ પમ્પ, 1 મોટર, 6 ગેસના બાટલા, 1 ટીવી, 1 ગ્રાઇન્ડીંગ મશીન, 2 ટેબલફેન, 1 લેમ્પ, 1 ગેસનો ચૂલો, 1 સિલાઈ મશીન, 19 ગ્રાઇન્ડીંગ વહીલ, 3 કટિંગ વહીલ, 3 પકડ, 1 પાનું, 1 ડિસમિસ સેટ, 8 પાના, 1 નાની કુહાડી, 1 રક્ષા કંપનીનું પાઉચ, 7 હાથના મોજા, 6 એરેલ ડાઈટ ટ્યુબ અને 4 વાયર ટેપ સહીત 1,41,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે
(તસ્વીર : પ્રવીણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ