અમરેલીના વૃધ્ધ મૃત્યુ પછી પણ પાંચ વ્યક્તિમાં અમર: કિડની, લીવર અને આંખોનું દાન

રાજકોટ તા.9
અમરેલીના ગણપતભાઈ છગનભાઈ કસવાલા નામના વૃધ્ધનું અકાળે બ્રેઈન ડેડ થતાં તેમના પરિવારજનોએ દુ:ખને ભૂલીને બીજી વ્યક્તિના દુ:ખને દુર કરવાનો અને સુખમાં પલટાવવાનો એક માનવતા ભર્યો નિર્ણય કર્યો હતો. બે કિડની, બે આંખ અને લિવરનું દાન કરીને પાંચ વ્યક્તિને નવજીવન આપ્યું છે. આમ, ગણપતભાઈ મૃત્યુ પછી પણ પાંચ વ્યક્તિમાં અમર બની જશે.
આ અંગેની વિગત મુજબ અમરેલીમાં રહેતા ગણપતભાઈ છગનભાઈ કસવાલા ઉંમર વર્ષ 60 ખુબજ સેવાભાવિ અને તંદુરસ્ત જીવન જીવતા આ ઉંમરે પણ સાયકલિંગ કરીને પોતાના સારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતા પોતાના પુત્રોને પણ પ્રેરણા આપતા સારા સમાજ સેવક હતા.થોડી બ્લડપ્રેશરની તકલીફ સિવાય જીવન બીજી કોઈ બીમારી અનુભવી નહોતી. તા .7 ના રોજ અચાનક બ્લડપ્રેશરહાઈ થઈ જતા બેભાન થઈ ગયા. તેમના પુત્રએ તાત્કાલિક તેઓને રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. ડો.કાન્ત જોગાણીએ તપાસ કરી નિદાન કર્યું કે તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને ગંભીર છે. સઘન સારવાર કરવા છતાં તબિયતમાં સુધારો ન થયો અને તેઓનું બ્રેઈનડેથ થઈ ગયું. તેમના પુત્રો દ્વિરંગ, ડો.કુલદીપ, પુત્રી ક્રિશ્ના, ધવન તેમજ તેમના પત્ની શ્રી રંજનબેન તથા તેમના માતા અને ભાઈ જનકભાઈ દ્વારા અંગદાનનો નિર્ણય કર્યો. ડો કાન્ત જોગાણી, ડો.ચિરાગ માત્રાવાડિયા, ડો. કેતન ચુડાસમા, અને ડો અશ્વિન ચુડાસમા તથા ડો અશ્વિન ચતુર્વેદીએ તેમના બ્રેઈન ડેડ ના ટેસ્ટ કર્યા. ત્યારબાદ ડો દિવ્યેશ વિરોજાએ અંગદાન ની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું.ડો.વિશાલ ભાલોડી ડો. હર્ષિલ, ડો ધવલ કોટડીયા તેમજ અન્ય આઈ સી યુ સ્ટાફ દ્વારા તેમના અંગદાનની કાર્યવાહી કરાઈ.એમના અમૂલ્ય એવા અંગો બે કિડની, લીવર તથા બે આખો નું પવિત્રદાન કરાયું. અમદાવાદ શસમભિ હોસ્પિટલમાં બંને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત મંદ દર્દીમાં કરવામાં આવશે. અંગદાન દ્વારા બીજા 3 વ્યક્તિ ને નવજીવન અને 2 વ્યક્તિને દ્રષ્ટિ મળશે. ડો. ગૌરવીબેન ધ્રુવ જે મેડિકલ કોલેજના ડીન છે. તેઓ એ ગણપતભાઈનો કોવિડ રિપોર્ટ તાત્કાલિક કરી અંગદાન ઝડપથી કરવામાં પોતાનો સહયોગ આપ્યો. ઓર્ગન ડોનેશનના સક્રિય કાર્યકરો ભાવનાબેન મંડલી તથા નીતિનભાઈ ઘાટલીયા દ્વારા પરિવારને સાંત્વના આપી અને આ વંદનીય કાર્યને બિરદાવ્યું. આમ તો ઘરની છત્રછાયા ગુમાવતી વખતે પરિવારને અંગદાન વિષે માહિતી સમજાવી પડતી હોય. પરંતુ તેમના પુત્ર શ્રીકુલદીપ ભાઈ પોતે તબીબ હોવાથી તેઓએ સામે થી તેઓનાં પિતાનાં અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને એમાં સહયોગ આપી કાર્યને સરળ બનાવ્યું.
આ અંગે તાકિદે અમદાવાદ આઈ.કે.ડી. હોસ્પિટલની ટીમ રાત્રે વોકહાર્ટ હોસ્પિટલ આવી પહોંચી હતી અને ગણપતભાઈની બન્ને કિડની, લિવર લઈને પરત અમદાવાદ પહોંચશે અને સવારમાં જ આ ત્રણેય અંગોનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમની આંખોનું પણ પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ, પાંચ વ્યક્તિને નવજીવન અને નવદ્રષ્ટિ મળશે. વોકહાર્ટ હોસ્પિટલે આ ઓપરેશન સહિતની તમામ સેવાઓ નિ:શૂલ્ક આપી હતી અને હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદીશ ખોયાણી અને તેમના સ્ટાફે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.

રિલેટેડ ન્યૂઝ