મહાપાલિકાના આરોગ્ય ચકાસણી કેમ્પમાં ફેરીયાઓ કલાકો રઝવ્યા

અચાનક મનપાએ છોટુનગરમાં કેમ્પ ગોઠવી નાંખ્યો: ભારે અવ્યવસ્થા થઈ

બે મહિના પહેલા હેલ્થ કાર્ડ કાઢવામા આવી જ અંધાધૂંધી હતી
રાજકોટમાં જ્યારે કોરોનાનો પગપેસારો થયો હતો ત્યાંરે પણ શાકભાજીના ધંધાર્થીઓના હેલ્થ કાર્ડ કાઢી આપવા માટે માર્કેટિંગ યાર્ડ, શાકમાર્કેટ સહિતના સ્થળે હેલ્થ કાર્ડ માટે કેમ્પ યોજવામા આવ્યા હતા ત્યાંરે પણ વ્યવસ્થામાં આવી જ અંધાધૂંધી હતી.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.31
લોકડાઉનના તાળા ખુલી જતા હવે સૌથી વધુ જોખમ શાકભાજી, દૂધવાળા કે અન્ય ફેરિયા કે જે રોજ સેંકડો લોકોના સીધા સંપર્કમાં આવી જાય છે તેવા સુપર સ્પ્રેડોર્સ છે. આવા લોકો સલામત સ્થિતિમાં છે અને તેની પાસેથી જ ચીજવસ્તુ ખરીદવી એવો નિયમ બનાવીને આવા તમામ સંભવિત સુપર સ્પ્રેડર્સને મનપા દ્વારા આરોગ્ય ચકાસણી કરીને હેલ્થ કાર્ડ ઇશ્યુ કરવા આજથી મનપાએ કેમ્પ શરૂ કર્યાના પ્રથમ દિવસે જ અંધાધૂંધી જોવા મળી હતી. એક તો ક્યા વિસ્તારમાં કેમ્પ છે તેની આગોતરી જાણ કર્યા વગર જ મનપાનો સ્ટાફ વહેલી સવારમાં જ છોટુનગરમાં પહોંચી ગયો હતો. શાકભાજીના ધંધાર્થીઓ સહિત ફેરિયાઓની લાંબી કતાર લગાવી દેવામા આવી હતી. પાંચ-છ કલાક સુધી હેરાનગતિનો સામનો કરનાર ધંધાર્થીઓનો ધંધો રઝળી પડ્યો હતો.
રાજકોટમાં જે રીતે કોરોના બેકાબૂ બનતો જાય છે તેની પાછળના કારણમાં એ સામે આવ્યુ છે કે, શાકભાજીના ધંધાર્થીઓ, દૂધવાળા, કરિયાણાના વેપારીઓ, શેરી ફેરિયાઓ જ કોરોનાના નસુપર સ્પ્રેડર્સથ બની ગયા છે. કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ આવા સુપર સ્પ્રેડર્સ રોજ સેંકડો લોકોના સંપર્કમાં આવીને સંક્રમણની ચેનલ બની રહ્યા છે. આવા સુપર સ્પ્રેડર્સ મારફતે ફેલાતા કોરોનાના વાયરસના સંક્રમણને રોકવા માટે મહાપાલિકાએ એકશન પ્લાન બનાવ્યો છે.
જેમા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનીંગ કરવામા આવશે અને તાવ, શરદી, ઉધરસ હશે તેનો કોરોના ટેસ્ટ કરવામા આવશે. રોજ સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવતા હોય તેવા તમામ ધંધાર્થીને હેલ્થ કાર્ડ કાઢી આપવામા આવશે. આ હેલ્થ કાર્ડ ધંધાર્થીએ ગ્રાહક જોઇ શકે એ રીતે ગળે લટકાવી રાખવાનું ફરજિયાત રહેશે. મનપા વિવિધ વિસ્તારોમાં કેમ્પની કામગીરી પુરી કરી લેશે પછી રોજ ચેકિંગ ડ્રાઇવ રાખશે અને હેલ્થ કાર્ડ જેની પાસે નહીં હોય તેનો માલસામાન જપ્ત કરી લેવાશે.
આજથી હેલ્થ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જો કે ક્યા વિસ્તારમાં કેમ્પ રાખવામા આવશે તેની આગોતરી જાણ કર્યા વગર જ સવારે મનપાનો સ્ટાફ છોટુનગરમાં પહોંચી ગયો. ધંધાર્થીઓ રેકડી લઇને શાકભાજી વેંચવા નીકળતા હતા તેઓને રસ્તામાં જ અટકાવીને હેલ્થ ચેકઅપ અને કાર્ડ કાઢવા કેમ્પમાં પહોંચવાનું ફરમાન કર્યુ હતુ. ઘડીભરમાં તો લાંબી કતાર લાગી ગઇ હતી. પાંચ-છ કલાકે વારો આવે તેવી ભીડ જામી હતી. ત્યાં સુધી ગરીબોના ધંધા રઝળી પડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ