રાજકોટ કલેકટર કચેરીમાં વધુ એક કર્મચારીને કોરોના

આયોજન અધિકારી સહિત 10 કર્મચારી હોમ કવોરન્ટાઈન

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.31
રાજકોટની કલેકટર કચેરીમાં વધુ એક કર્મચારીને કોરોનાએ ઝપટે લેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક પખવાડિયામાં કલેકટર કચેરીની ચોથી શાખામાં કોરોનાએ ઘુષણખોરી કરી છે.
જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા અને સેવક તરીકે ફરજ બજાવતાં વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને ગઈકાલે રાત્રે કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે.
જીલ્લા કલેકટર કચેરીમાં એક પખવાડિયામાં ચોથી બ્રાંચ કોરોનાથી સંક્રમિત બની છે. સૌપ્રથમ પી.આર.ઓ. બ્રાંચના બે કર્મચારી ગોપીબેન પટેલ અને કિરણબેન મારૂને કોરોના વળગ્યો હતો. ત્યારબાદ જી-શ્ર્વાનના મેનેજર રાહુલ ત્રિવેદી અને અન્ય એક કર્મચારી પાર્થને પણ કોરોનાએ ઝપટે લીધા હતા. ત્યારબાદ બિનખેતી શાખાના મામલતદાર હિતેષ તન્નાને કોરોનાએ ઝપટે લીધા હતા. આમ, કલેકટર કચેરીના છ જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં ર5 જેટલા કર્મચારીઓ હોમ કોરોન્ટાઈન થયા હતા.
રાજકોટ શહેરમાં કોરોનાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શેરી-ગલ્લી અને મહોલ્લામાં ઘુસી ગયેલો કોરોના હવે સરકારી કર્મચારીઓને બાનમાં લઈ રહ્યો છે. જીલ્લા આયોજન કચેરીના સેવકને કોરોના પોઝીટીવ આવતાં જીલ્લા આયોજન અધિકારી સહિત 10 કર્મચારીઓ હોમ કોરોન્ટાઈન થઈ ગયા છે અને જીલ્લા આયોજન કચેરીને સેનેટાઈઝ કરી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ