રાજકોટ મહાપાલિકામાં વેરા વળતર યોજના થઈ સમાપ્ત

2.7 લાખ આસામીઓએ લાભ લીધો; મનપાને 101 કરોડની આવક

રાજકોટ તા,31
મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાવળતર યોજના અમલમાં મુકવામાં આવી છે. રહેણાંકની મીલકતોમાં એડવાન્સ વેરો ભરપાઈ કરતા 10 ટકા અને મહિલા આસામીને વધુ પાંચ ટકા તેમજ ઓનલાઈન વેરો ભરતા 1 ટકો વધારે વળતર મળવાપાત્ર છે. આ યોજના આજરાત્રીના 12 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની છે. ત્યારે આજ સુધીમાં 2.07 લાખ લોકોએ વેરો ભરપાઈ કર્યો હતો. જેની સામે મનપાએ 12 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યાનું વેરાવિભાગે જણાવ્યું હતું.વેરા વિભાગના જણાવ્યા મુજબ વેરાવળતર યોજનાનો પ્રમાણીક કરદાતાઓએ આ વર્ષે પણ ભરપુર લાભ લીધો છે. આજે યોજનાનો છેલ્લો દિવસ બાકી હોય સાંજના 6 વાગ્યા સુધી સિવિલ સેન્ટર સહિતના સ્થળોએ વેરો ભરપાઈ કરી શકાશે. જયારે ઓનલાઈન વેરો રાત્રીના 12 વાગ્યા સુધી ભરી શકાશે. આજ સુધીમાં 2.07 લાખ પ્રમાણીક કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લેતા મનપાને 101 કરોડની આવક થઇ છે જેની સામે કોર્પોરેશને કરદાતાઓને 12 કરોડનું વળતર ચૂકવ્યું છે. રહેણાંક મીલકતો માટેની વેરાવળતર યોજના આજરોજ પૂર્ણ થનાર છે. જયારે રાજય સરકાર દ્વારા જારી કરાયેલ કોમર્શીયલ મીલકત વેરા વળતર યોજના 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત કોમર્શીયલ મિલકતના મહિલા આસામીને 20 ટકા વળતર મળવાપાત્ર છે. આમ છેલ્લા બે માસથી ચાલુ રહેલ મનપાની મિલકત વેરાવળતર યોજના આજે પૂર્ણ થશે.

રિલેટેડ ન્યૂઝ