આજે મુખ્યમંત્રી હસ્તે ઇ-વન મહોત્સવનો પ્રારંભ

આજી અર્બન ફોરેસ્ટમાં 55 હજાર છોડનું રોપણ

1રાજકોટ તા,1
તા.2જી ઓગષ્ટ 2020ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન યોજાશે.
કલેકટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેમ્યા મોહન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સામાજીક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.2જી ઓગષ્ટ 2020ના રોજ મુખ્યમંત્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ આજીડેમ પાછળ સવારના 10:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના 71માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન યોજાશે. જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર જોડાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરઓ, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.
શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરી રહી છે. 2જી ઓગષ્ટ 2019ના રોજ માન.મુખ્યમંત્રીના જન્મ દિવસે તેઓના વરદ હસ્તે અર્બન ફોરેસ્ટનો શુભારંભ કરવામાં આવેલ. અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ 156.16 એ.ગુ. જમીન સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવેલ છે. જે પૈકી 47 એકર ખુલ્લી જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિકના વનના નિર્માણની કામગીરી હાથ ધરાશે. જેમાં તીર્થકર વન, નક્ષત્ર વન, અને રાશી વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધિય વનના ભાગો વિકસિત વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. આ જગ્યામાં ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા અંદાજ જુદી જુદી 55 થી 60 વિવિધ જાતના અંદાજે 55000થી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ-પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ