શહેરમાં કોરોનાના વધુ 6 સુપરસ્પ્રેડ મળ્યા

છોટુનગર, રૈયાધાર, કીટીપરામાં શાકભાજીના ફેરિયાઓનું ટેસ્ટીંગ

રાજકોટ તા,1
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે શાકભાજી વેંચતા ફેરિયા ભાઇ-બહેનો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આવશ્યક પગલાંઓના ભાગરૂપે આજે પણ બીજા દિવસે છોટુનગર વિસ્તારમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજે રૈયાધાર અને કિટ્ટીપરા વિસ્તારમાં પણ ફેરિયાઓ વધુ સંખ્યામાં રહેતા હોય ત્યાં પણ હેલ્થ કેમ્પ યોજવામાં આવેલ છે. 613 ફેરીયાના ટેસ્ટીંગ કરાયા હતા તેમાંથી 6 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.
1532 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસપીઓ ટૂ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા 613 લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી 06 કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં આરોગ્ય અને અન્ય શાખાના અધિકારી / કર્મચારીઓ દ્વારા કુલ 2910 ફેરીયોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે. છેલ્લા બે દિવસમાં આ મેડીકલ કેમ્પના આયોજનો મારફત કુલ 11 પોઝિટિવ કેસ શોધી તેઓના માધ્યમથી સંભવિત રીતે થનારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવી શકાયો છે.
આજે બીજા દિવસે છોટુનગર ખાતે કેમ્પમાં કુલ 307 ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને 151 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી 1 કેસ પોઝિટિવ ધ્યાને આવેલ છે.
કિટ્ટીપરા ખાતે કેમ્પમાં કુલ 223 ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને 109 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી 1 (એક) કેસ પોઝિટિવ નોંધાયેલ છે.
જયારે રૈયાધાર ખાતે કેમ્પમાં કુલ 1002 ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને 353 ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી 4 (ચાર) કેસ પોઝિટિવ નોંધાયેલ છે.
આમ, આજના 6 દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે.
આ કેમ્પ વિશે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, શાકભાજી વેંચનારા લોકોનો મોટો સમૂહ છોટુનગર ઉપરાંત કિટ્ટીપરા અને રૈયાધાર વિસ્તારમાં રહે છે. શાકભાજી વેંચવા માટે આ ફેરિયા ભાઈ – બહેનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હોય છે અને આ પ્રકારે ઘણા લોકોના આડકતરા સંપર્કમાં આવે છે. શાકભાજીના માધ્યમથી તેઓ કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ન બની જાય તેવા આશય સાથે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની ઝુંબેશ હાથ ધરાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ