‘પાકવિમો લૂંટાયો’, કાલથી ખેડૂતોનું ઓનલાઈન આંદોલન

ખેડૂતો ખેતરોમાં બોર્ડ લતટકાવશે, ગામડે-ગામડે યોજાશે તાલિમ શિબિર, ન્યાય ન મળે ત્યાં સુધી લડત

57.89 ટકાનો ભ્રષ્ટાચાર
2018ના વર્ષમાં પ્રતિ હેકટર 55,112 રૂપિયા મળવાપાત્ર થાય. ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો 68.89 ટકા આખાય મૂળી તાલુકામાં નિયમ મુજબ પાક વીમો મળવાપાત્ર હતો. પરંતુ સરકાર અને વીમા કંપની દ્રારા માત્ર 11 ટકા પાક વીમો જાહેર કરવામાં આવ્યો હતો. યાને કે પાકવીમામાં થયેલા ભ્રષ્ટ્રાચારની ટકાવારી 57.89 ટકા છે. રકમની રીતે જોઇએ તો ખેડૂતોને પ્રતિ હેકટર દીઠ 55,112 રૂપિયા ચૂકવવાના હતા. તેની સામે માત્ર 8800 રૂપિયા પાક વીમો ચુકવવામાં આવ્યો હતો.

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: તા.2
પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ થઇ ત્યારથી લઇને અત્યારસુધીમાં તેના અમલીકરણમાં ગોટાળા કરીને કરોડો રૂપિયા ચાઉં થઇ ગયા હોવાનો ખેડૂત એકતા મંચે ખુલ્લા આક્ષેપ કર્યો છે. અને જો આ અંગે મંગળવારે સરકાર દ્રારા વીમા કંપનીઓ સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો સોશિયલ મીડીઆ પર આંદોલનનું રણશીંગૂ ફૂંકવામાં આવશે. તેવી જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર તથા જૂનાગઢ જિલ્લાના એક એક ખેડૂતને મળીને તેઓ કઇ રીતે લૂંટાયા તે અંગે સમજાવીને તેમને પણ આ આંદોલનમાં જોડવામાં આવશે.
આ ખેડૂતો દ્રારા પોતાના ખેતરોમાં ખેડૂત લૂંટાયો તે પ્રકારના બોર્ડ લટકાવશે. પાંચ વર્ષના રોકાયેલા નાણાં પરત ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેમ ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જાહેરાત કરી છે.
ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું છે કે, પાક વીમા કૈભાડમાં ન્યાય મેળવવા માટે ખેડૂતો ન્યાય ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. જૂનાગઢના માણાવદર તથા સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં પાક વીમા કૌંભાડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ શનિવારે ખેડૂત એકતા મંચે કર્યો છે. હવે મંચ દ્રારા ગામડે ગામડે ખેડૂતોની પાક વીમા તાલીમ શિબિરો શરૂ કરાશે. જેમાં ખેડૂતોના હક્કના નાણાં કોણ અને કેટલાં ચાઉં કરી ગયા તે બાબતે સમજાવાશે. બીજી તરફ ખેડૂત એકતા મંચ દ્રારા સરકાર સામે સોશીયલ મીડીયાના માધ્યમથી ઓનલાઇન આંદોલન શરૂ કરવામાં આવશે. ખેતરમાં કામ કરતા જગતના તાતનો ઇતિહાસ પ્રથમવાર પોતાના ખેતરમાં રહી ઓનલાઇન આંદોલન થકી સરકાર સામે બાયોં ચડાવશે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂત એકતા મંચ દ્રારા ઓનલાઇન આંદોલનનું નામ ‘પાક વીમો લૂંટાયો’ આપવામાં આવ્યું છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ અમારો પાક વીમો લૂંટાયો છે તેવા બોર્ડ લટકાવીને સરકારનો વિરોધ કરશે. પાક વીમા કૈંભાડ આચરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન જારી રહેશે. તેના માટે જરૂર પડયે ખેડૂતો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરશે.

રિલેટેડ ન્યૂઝ