રાજકોટમાં મોડી રાત્રે 57 કિલો ગાંજા સાથે કાર ચાલક ઝડપાયો

સુરતથી ખેપ મારી આવ્યાની કબૂલાત : સાડા સાત લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.2
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણનું દુષણ નાબૂદ કરવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે મોડી રાત્રે કાલાવડ રોડ ઉપરથી કારમાં 57 કિલો ગાંજો લઈને નીકળેલા શખ્સને ઝડપી લઇ 7,43,700 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે સુરતથી પેલી ખેપ મારી આવતો હોવાનું જણાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર ખાસ નજર રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને પ્રદીપસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે ઝહીરભાઈ, અઝરુદીનભાઈ બુખારી, અજયભાઇ શુક્લા અને સોનાબેનને સાથે રાખીને કાલાવડ રોડ ઉપર મોકાજી સર્કલ પાસે મોડી રાત્રે દોઢેક વાગ્યે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી સ્વીફ્ટ કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા કારની પાછલી સીટ ઉપરથી એક મોટો કોથળો મળી આવ્યો હતો જે કોથળો ખોલીને જોતા અંદરથી ગાંજો મળી આવતા કારચાલક રાણી ટાવર પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા તૌસીફા અહેમદ સમા વિરુદ્ધ ગુનો નોંધી 57 કિલો 200 ગ્રામ ગાંજો, કાર અને ફોન સહીત 7,43,700 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં પોતે સુરતથી પેલી જ ખેપ મારી લાવતો હોવાનું અને અહીંયા છૂટક પડીકીઓ વેચવાની હોવાની કબૂલાત આપતા તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો આ અંગે વધુ તપાસ પીએસઆઇ એન ડી ડામોર ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ