ખંભાળાના લક્ષ્મીબેન મૃત્યુ પછીએ 5 વ્યકિતમાં અમર

અકસ્માતમાં ગંભીર ઇજા થતા બ્રેઇન ડેડ : લીવર, કિડનીનું ચક્ષુદાન કર્યું.

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 2
રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલ ખંભાળા ગામે રહેતા ખેડુત ચંદુભાઈ લવજીભાઈ ભોજાણીના ધર્મપત્ની લક્ષ્મીબેન (ઉ.વ. 47) સતત ભગવાન શિવના ભજન તથા ગૃહસંસારથી વ્યસ્ત રહેતા બાઇક ઉપર સગા ની ખબર કાઢવા ગયેલ ત્યાં અચાનક અકસ્માત માં ઠોકર લાગતા માથામાં ઈજા થઈ જવાથી બેભાન થઈ ગયા.તેઓને વધુ સારવાર અર્થે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં ન્યુરોસર્જન ડો દિનેશ ગજેરા એ તપાસ કરી જણાવ્યું કે મગજમાં ખૂબ મોટું હેમરેજ થઈ ગયું છે અને અત્યંત ગંભીર હાલત છે. સઘન સારવાર કરવા છતાં સફળતા ન મળી અને અંતે ડો દિનેશ ગજેરા, ડો સંજય ટીલાળા, ડો કલ્પેશ સનારિયા, ડો જયેશ ડોબરીયા, ડો મિલાપ મશરુ, ડો વિશાલ ભટ્ટ, ડો પાર્થ કાલરીયા, ડો અલ્પેશ રૂપારેલિયા ની ટીમ દ્વારા એમના ખાસ ટેસ્ટ કરી જણાવ્યું કે દર્દીનું બ્રેઈનડેથ થઈ ગયું છે. હવે જો સગા સંબંધી મંજૂરી આપે તો એમના અંગોનું દાન કરી શકાય અને બીજા ઘણા લોકોને નવી જિંદગી આપી શકાય. આ સાંભળીને એમના કુટુંબીજનો ખુબજ આઘાતમાં આવી ગયા. દર્દીના પતિ ચંદુભાઈ ભોજાણી, પુત્ર સાગર, દાદી લાભુબેન, કાકા- કાકી હકાભાઈ તથા કંચનબેન અને તેમના સંતાનો મિલન, રાધિકા અને મિત્રો જીજ્ઞેશભાઈ કાલાવડિયા, શીવાભાઈ આહીર તથા અન્ય સંબંધીઓએ આવા મુશ્કેલ સમયમાં પણ હિંમત રાખીને માનવતાને ધ્યાનમાં રાખી અંગદાનનો નિર્ણય કર્યો. ત્યારબાદ અંગદાન ની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવાનું અને દર્દીના અંગદાન સુધીની કાળજી રાખવાનું કાર્ય ડો દિવ્યેશ વિરોજા એ સાંભળી લીધું. તેઓએ સરકારના અંગદાનના વિભાગ એટલે કે જઘઝઝઘ ની સાથે સંકલન કરી અમદાવાદની કિડની હોસ્પિટલમાંથી ડો સુરેશ અને અન્ય હોસ્પિટલમાંથી ડો આનંદ ખખ્ખરની ટીમ દ્વારા કિડની અને લિવર હાર્વેસ્ટ કરવાનું ખુબજ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. આ અંગોને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ અને ઈંઊંઉછઈ માં બે કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા. બંને ચક્ષુના દાનથી બે વ્યક્તિઓ ને નવી દૃષ્ટિ પણ મળશે. આમ લક્ષ્મીબેન જતાં જતાં પણ પરોપકારનું કાર્ય કરી પાંચ લોકોને નવજીવન આપતા ગયા. આ પ્રક્રિયામાં સિનર્જી હોસ્પિટલના ડો અંકિતા વાડોદરિયા, ડો રેણુકા જાદવ અને સમગ્ર ઈંઈઞ ટીમનો ખુબજ સહકાર રહ્યો. પદ્મકુવરબા હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો પીપળીયા અને માઇક્રોબાયોલોજિસ્ટ ડો પરમાર દ્વારા દર્દીનો કોરોના ઇન્ફેક્શન નથી તે જાણવા માટેનો ટેસ્ટ તાત્કાલિક કરી આપી આ કાર્યમાં સહયોગ કર્યો. અકસ્માતનો કેસ હોવાથી દર્દીનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હોય છે આ કાર્ય ખુબજ કાળજીપૂર્વક કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ડો ચાવડાનો પણ સહયોગ મળ્યો. ગ્રીન કોરિડોર અને મેડિકો લીગલ પ્રોસેસ માટે સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનો સહયોગ મળ્યો. હંમેશની જેમ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સક્રિય સમાજસેવકો ભાવનાબેન મંડલી અને નીતિનભાઈ ઘાટલીયા એ દર્દીના સગા સંબંધીઓને આ મહાન કાર્ય માટે બિરદાવ્યા હતાં. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સભ્યોના સહયોગ થી આ 82 મું ઓર્ગન ડોનેશનનું ઓપરેશન છે અને કોરોના સંક્રમણ શરૂ થયા બાદ ત્રીજું અંગદાન છે.

રિલેટેડ ન્યૂઝ