જામનગરમાં કોરોનાથી હેડ નર્સ સહિત 11ના મોત, 24 કલાકમાં નવા 123 કેસ

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 15
જામનગર જિલ્લામાં કોરોના ના વાઇરસ એ ડેરા તંબુ તાણ્યાં હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કોરોના એ અજગર રૂપી ભરડો લીધો છે. અને લોકલ સંક્રમણ વધી જતાં કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 11 દર્દીઓના જી જી હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયા હતા, જ્યારે જામનગર જિલ્લામાં વધુ 123 દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જોકે જી.જી.હોસ્પિટલમાંથી 121 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના અંકુશ બહાર જતો જોવા મળી રહ્યો છે. કોરોનાના અજગર રૂપી ભરડામાં અનેક લોકો હોમાઈ રહ્યા છે, ખાસ કરીને જી જી હોસ્પિટલમાં કોરોના નું બિહામણું રૂપ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સાંજ થી આજે સાંજ સુધીમાં 11 દર્દીઓના મૃત્યુ નિપજતાં ભારે હાહાકાર મચી ગયો છે.જામનગર ની સરકારી હોસ્પિટલ ના હેડ નર્સ હંસાબેન નિનામાં નું પણ આજે કોરોના ની બીમારી માં મૃત્યુ થયું છે
જ્યારે આજે વધુ 123 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. સાથોસાથ 121 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા પણ આપવા આવી છે.
જામનગર શહેરમાં મંગળવારે પણ 102 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડધામ વધી ગઈ છે. જામનગર શહેરના 102 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા, જેથી જામનગર શહેરનો કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3,651 નો થયો છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય મા આજે વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેથી જામનગર ગ્રામ્ય નો કોરોનાનો આંકડો 656 નો થયો છે.
આજની તારીખે જામનગર શહેરમાં 188 પોઝિટિવના એક્ટિવ કેસ છે, જ્યારે જામનગર ગ્રામ્યના 53 મળી કુલ 241 એક્ટિવ છે, અને સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં ઉપરાંત મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત હસ્તક અત્યાર સુધીમાં ફુલ 1,26,023 લોકો ના કોરોના ટેસ્ટ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના 63,423 લોકોનું પરીક્ષણ કરાયું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 66,138 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓ નો પણ રિકવરી રેટ ખૂબ જ સારો છે. આજે મંગળવારે વધુ 125 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં જામનગર શહેરના 100 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે જામનગર ગ્રામ્યના 25 દર્દીઓને રજા મળી છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ પણ કોરોના સંક્રમિત થતા તમને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ