કોર્પોરેશન દ્વારા ડીડીટીના બદલે ચૂનો છંટકાવ કોર્પોરેશન દ્વારા ડીડીટીના બદલે ચૂનો છંટકાવ

જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી ભાંડો ફોડયો

રાજકોટ તા.21
રાજકોટમાં કોરોના મહામારીએ હદ વટાવી છે. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે આ રોગચાળામાં રાજકોટ મનપાની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં વોર્ડ નં.14માં મનપાના કર્મચારીઓ ડીડીટીના બદલે ચૂનાનો છંટકાવ કરી
રહ્યા હતા. આ સમયે એક જાગૃત નાગરિકે આ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. વીડિયોમાં અધિકારીઓ જ સ્વીકારી રહ્યા છે કે, ઉપરથી ડીડીટીનો જથ્થો આવતો નથી એટલે ચૂનાનો છંટકાવ કરી રહ્યા છીએ. આમ ભયંકર રોગચાળામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાનું લોકોએ વીડિયોમાં જણાવ્યું હતું.
રાજકોટમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયેલા રહેતા હોય તેવા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. કોરોનાની સાથોસાથ લોકોને ડેન્ગ્યુ અને મેલેરિયાનો પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં.14માં ચૂનાનો છંટકાવ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ ચૂનો છે કે અન્ય વસ્તુ તે અમને ન ખબર હોય. અમને ઓફિસેથી કહેવામાં આવ્યું છે કે આ પાઉડર છે તમે છાંટી આવો. આ પાઉડર છે કે ચૂનો તે વિશે અમને ખબર નથી. લોકોમાં પણ સવાલ સતાવી રહ્યો છે કે ડીડીટીની જગ્યાએ ચૂનાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેની પાછળ મોટું કૌભાંડ તો નથી ને.
વોર્ડ નં.14માં ફરજ બજાવતા રાઠોડે વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ચૂનો જ છે. ઉપરથી મેલાથીયન આવતું નથી. ઉપરથી ખરીદી ઓછી છે. વીડિયો ઉતારનાર વ્યક્તિને અધિકારી છે કે તમે ઉપર જ ફોન કરીને કહી દ્યો ને. આ બધા વોર્ડમાં પ્રશ્ન છે. અમારી પાસે ચૂનો આવ્યો છે એટલે છાંટીએ છીએ. ન્યૂસન્સ પોઈન્ટ પર આ છાંટવાનો હોય છે. ખુલ્લા રસ્તા પર જ આ ચૂનો છાંટવામાં આવે છે. ખરેખર આનો છંટકાવ પાણી ભરાયેલા વિસ્તાર, ગટરની નજીકના વિસ્તારમાં છંટકાવ કરવાનો હોય છે તેવું લોકો વીડિયોમાં અધિકારીને કહે છે.
સરકારી ચોપડે ચૂનો બોલે છે કે મેલાથીયન તે અંગે લોકોએ અધિકારી સાથે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, તમે તપાસ કરો.
અધિકારી રાઠોડે વધુમાં વીડિયોમાં જણાવ્યું હતું કે, ચૂનો આવે છે મેલાથીયન આવતું નથી. અત્યારે છંટકાવ કરવામાં આવી રહ્યો છે તે ચૂનો જ છે. અમારે ચૂનો આવે છે એટલે અમે તેનો છંટકાવ કરીએ છીએ. તમે લોકો કમિશનર પાસે જઈને રજુઆત કરો. પહેલા મેલાથીયનનું બે પેકેટ આવતું અને હવે આવતું નથી. બીજા એક અધિકારીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ચૂનાના છંટકાવથી માખી કે મચ્છરને કોઈ અસર થતી નથી. અમને ઉપરથી કહેવામાં આવ્યું છે.
રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી ડીડીટીમાં ચૂનાનું મિશ્રણ કરી છંટકાવ કરવાની પ્રથા ચાલી રહી છે. પરંતુ આજે એક કર્મચારીએ જ સ્વીકાર્યુ છે કે ડીડીટીની જગ્યાએ ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો મનપામાં આ રીતે કેટલા રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ