હાર્દિક સામે સરકાર કોર્ટમાં

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.ર3
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 12 અઠવાડિયા માટે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ સમક્ષ કરી છે. 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીનની શરતના ભાગરૃપે હાર્દિકને ગુજરાત બહાર જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
અરજીમાં હાર્દિકની રજૂઆત છે કે તાજેતરમાં તેની નિમણૂક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષમાં હવે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વિવિધ બેઠકોમાં ભાગ લેવા માટે દિલ્હી તેમજ ગુજરાત બહારના શહેરોમાં વારંવાર જવાનું થાય છે, પરંતુ જામીનની શરતોના કારણે તે રાજ્ય બહાર જઇ શકતો નથી. તેના ચાર કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.આ કેસોનું લિસ્ટીંગ ટૂંક સમયમાં થવાનું છે. તેથી કેસોની રૃબરૃ ચર્ચા માટે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિબ્બલ સહિતના વકીલો સાથે મુલાકાત કરવી જરૃરી છે. આ કેસોની ચર્ચા માટે રૃબરૃ મુલાકાત સિવાય કોઇ વિકલ્પ ન હોવાથી કોર્ટે બાર અઠવાડિયા માટે જામીનની શરતોમાં ફેરફાર કરવો જોઇએ.
સરકારે કરી આવી રજૂઆત
હાર્દિકની અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે હાર્દિકે જામીનની ઘણી શરતોનો ભંગ કર્યો છે અને હાલ આ કેસની ટ્રાયલમાં પણ વિલંબ પહોંચાડી રહ્યો છે. તે ટ્રાયલની સુનાવણીમાં સતત ગેરહાજર રહેતો હોવાથી કોર્ટે જાન્યુઆરીમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે જામીન આપ્યા હતા. અરજદાર આરોપી કોર્ટે દ્વારા મળેલી છૂટછાટનો દુરૂપયોગ કરવા ટેવાયેલો છે. જેથી આ અરજી ગ્રાહ્ય ન રાખવા રાજ્ય સરકારે રજૂઆત કરી છે.

રિલેટેડ ન્યૂઝ