લીલા શાકભાજી અને ફળના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય

કોરોનાકાળમાં માનસિક અને આત્મશક્તિ કેળવવા માટે પોરબંદરમાં યોજાયો વેબીનાર: આર્યક્ધયા ગુરુકુળ મહિલા કોલેજ ખાતે “ફીટ ઈન્ડિયા હેલ્ધી ઈન્ડિયા ના અભિગમને સાર્થક બનાવાયો

(પ્રતિનીધી દ્વારા)
પોરબંદર તા.22
કોરોનાકાળમાં માનસિક અને આત્મશક્તિ કેળવવા માટે પોરબંદરમાં વેબીનાર યોજાયો ત્યારે જણાવાયું હતું કે લીલા શાકભાજી અને ફળના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
ઉચ્ચ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીનીઓ સુદ્રઢ સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને અને “સ્વસ્થ સમાજ, સ્વસ્થ ભારત ના અભિગમને વધુ પ્રબળ બનાવે તે હેતુથી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રિન્સીપાલ ડો. અનુપમ નાગરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગ અને સામુદાયિક સેવાધારાના ઉપક્રમે “ન્યૂટ્રીશન એન્ડ ઈમ્યુનીટી વિષય પર એક વેબીનારનું આયોજન કરવામાં આવેલું જેમાં પોરબંદરના આર્ષ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલના ડો. યેશાબેન શાહે આશરે કોલેજની 300 જેટલી બહેનોની સાથે ન્યુટ્રીશન અને ઈમ્યુનિટી સંદર્ભે ખૂબ જ ઉપયોગી સંવાદ કરેલો.
એક તરફ કોરોના વાઈરસનો કહેર માનવ જીવન પર હાવી થઈ રહ્યો છે અને પ્રત્યેક માનવી કોરોના સામે શારીરિક અને માનસિક રીતે લડી રહ્યો છે ત્યારે જો કુટુંબની એક બહેન, એક દીકરી પોષણ પરત્વે યોગ્ય જાણકારી મેળવશે તો આખા પરિવારને યોગ્ય પોષણયુક્ત આહાર વ્યવહાર દ્વારા સશક્ત બનાવી પરિવારની રોગપ્રતિકારક ક્ષમતા વધારી ચોક્કસ કોરોના સામેના જંગમાં પરિવારને અડગ રાખી શકશે. આ હેતુને ધ્યાનમાં રાખી ડો. યેશાબેન શાહે પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેઓએ વિદ્યાર્થીનીઓને સમજાવ્યું કે અત્યારસુધી કોરોના વાઈરસ વિશે આપણે ઘણું જાણીએ છીએ પરંતુ મહત્વની વાત એ છે કે ગભરાયા વિના આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સાવચેતીના દરેક પગલાં આપણે લેવાના જ છે. બાહ્ય પરિબળો કરતા આંતરિક તત્વોને વધુ સશક્ત બનાવવા જરૂરી છે માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ. જેના પરિણામે રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.
અનેક ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે કોઈને કોરોના થશે જ કે કોઈને કોરોના નહીં જ થાય એ બાબતે ચોક્કસપણે કહી શકાય નહીં. કારણ કે આ વાઈરસ ડ્રોપલેટથી ફેલાય છે તેમજ સિનીયર સિટીઝનને વધુ ઝડપથી અસર પહોંચાડે છે. જો સમાજની દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અને હાઈજીન પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપે તો આ વાઈરસ પર જીત મેળવવી ખૂબ જ સરળ બની જશે. દરેક બાળકને માતાના ગર્ભમાંથી જ ઈમ્યુનીટી મળવાની શરૂઆત થઈ જાય છે. રોગપ્રતિકારક ત્રણ પ્રકારની હોય છે સહજ કે જે માતા દ્વારા બાળકને મળે છે. કાલજ કે જે ઋતુ અનુસાર મેળવી શકાય છે અને યુક્તિયુક્ત કે જે વ્યક્તિએ જાતે કેળવવાની હોય છે. આ ઉપરાંત આહાર અને વિહારનું મહત્વ પણ તેમણે સમજાવ્યું હતું.
આપણા ઋષિમુનિઓએ પણ ઔષધિઓને છેલ્લા ક્રમે મૂક્યું છે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મેળવી શકાય છે. ઈમ્યુનીટી એ તાત્કાલીક બનતી નથી અને એ આપણી લાઈફ સ્ટાઈલ પર આધારીત હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે નિત્ય હિતકર ખોરાક લઈએ તો 36 હજાર રાત્રી એટલે કે 100 વર્ષ સુધી જીવી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ. આદુ, લીંબુ, નાળિયેર પાણી, દૂધ, પનીર, ફણગાવેલા કઠોળ, ઘરનું બનાવેલું ઘી, શતાવરી તેમજ અશ્ર્વગંધનું નિયમિત સેવન પણ હિતકારી છે. શરદી-સળેખમમાં ગરમ પાણીનો નિયમિત નાસ લેવો જરૂરી છે. સ્વસ્થ સ્વાસ્થ્ય માટે નિયમિત 6 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.વિદ્યાર્થીનીઓએ પ્રશ્ર્નોતરી દ્વારા વેબીનારને ખરા અર્થમાં અર્થસભર અને જીવંત બનાવેલ હતો. પ્રશ્ર્નોતરી સેશનમાં મૈત્રી થાનકી, હિરલ ઓડેદરા, પૂજા સિડા, પ્રાર્થના બાપોદરા, ધારા મોઢવાડીયા, સીમા કોડીયાતર વગેરે બહેનોએ અનેક પ્રશ્ર્નો પૂછેલા. જેના સંતોષકારક જવાબ ડોક્ટરે આપેલા અને તેઓએ ઉમેરેલું કે કોઈપણ રોગ સામે ટક્કર લેવા માટે માનસિક શક્તિ, આત્મશક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે. મનોબળ મક્કમ હોય તો જ રોગ સામે નિર્ભયતાથી લડી શકાય છે, તેના પર વિજય મેળવી શકાય છે.
ફિટ ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયા અભિગમને વિદ્યાર્થીનીઓ સુધી સચોટ રીતે પહોંચાડવા માટે સંસ્થાના પ્રિન્સીપાલે પ્રેરણાનું પાથેય પૂરૂં પાડેલું સમગ્ર કાર્યક્રમનું સંકલન એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો. નયનભાઈ ટાંક, ડો. કેતકીબેન પંડ્યા અને ડો. ભરતસિંહ ડોડિયાએ કર્યું હતું. કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો. રોહિણીબા જાડેજાએ આયુર્વેદનું માનવ જીવનમાં મહત્વ સમજાવીને વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવેલા ત્યારબાદ ડો. પ્રણાલી જોષીએ આભારવિધી કરી વેબીનારને સંપન્ન જાહેર કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ