રાજ્ય સરકાર પાયાના પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા કટિબદ્ધ

પોરબંદરમાં 1 કરોડ 70 લાખના ખર્ચે તૈયાર થયેલ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાનું પહેલા નોરતે થયું લોકાર્પણ: સાંસદ-ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો

પોરબંદર, તા.17
રાજ્ય સરકાર પાયાના પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા કટિબદ્ધ છે અને તેની સાથોસાથ સારામાં સારી સુવિધા આપવા માટે પણ શ્રેષ્ઠત્તમ પ્રયાસો કરી રહી છે તેવું પોરબંદરમાં 1 કરોડ 70 લાખના ખર્ચે તૈયાર થયેલ સરકારી શાળાનું પહેલા નોરતે લોકાર્પણ થયું ત્યારે સાંસદ, ધારાસભ્ય સહીત આગેવાનોએ જણાવ્યું હતું.
પોરબંદરમાં વર્ષોથી કમલાબાગ નજીક નગરપાલિકા દ્વારા અંગ્રેજી માધ્યમથી એમ.ઈ.એમ. સ્કુલનું સંચાલન કરવામાં આવતું હતું પરંતુ થોડા મહીના પહેલા જીલ્લા પંચાયતને તેનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ભીમાભાઇ ઓડેદરા સહિતનાઓએ ખાસ રસ લઇને જર્જરીત બનેલા શાળાના બિલ્ડીંગનું નવીનીકરણ કરવા માટે રાજય સરકારને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા મારફતે રજુઆત અને ભલામણ કરાવી હતી. માત્ર 8 મહીનાના ટુંકાગાળામાં જ રૂિ5યા 1 કરોડ 70 લાખના ખર્ચે આ બિલ્ડીંગ તૈયાર થઇ ગઇ છે. સમગ્ર શિક્ષા કચેરી તથા પોરબંદર જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલીત શહેરની એકમાત્ર અંગ્રેજી માધ્યમથી શ્રી એમ.કે. ગાંધી અંગ્રેજી પ્રાથમિક શાળાના ર7 રૂમમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે ત્યારે તેનું લોકાર્પણ પહેલા નોરતે કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ઉપરાંત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મોરી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ભીમાભાઇ ઓડેદરા, કલેકટર મોદી, ડી.ડી.ઓ. અડવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સરજુ કારીયા, મોહનભાઈ મોઢવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ આવળાભાઈ ઓડેદરા, સુધરાઈ સભ્ય સરોજબેન કક્કડ સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા.
બિલ્ડીંગ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાર્થના અને દીપપ્રાગટ્ય બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઈ કણસાગરાએ સહુ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી વગેરે વક્તાઓએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા તા. 1/4/1964ના રોજ આ શાળાની સ્થાપના થઇ હતી અને 1 કરોડ 70 લાખના ખર્ચે નવીનીકરણ કરીને ર7 ઓરડાઓ, કમ્પાઉન્ડ વોલ, ગેઇટ, પાથ-વે, અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, હેન્ડવોશ સહિતની સેવાઓ ઉપલ્બ્ધ કરાવાઇ છે. હાલ અહીંયા 963 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 25 નો કુલ સ્ટાફ છે. ત્યારે માત્ર 8 મહિનાના ટુંકાગાળામાં તેનું બિલ્ડીંગ તૈયાર થયું છે. અંગ્રેજી માધ્યમની પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી પ્રાથમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓએ ભુતકાળમાં પાયાનો અભ્યાસ મેળવીને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી છે. રાજ્ય સરકાર વધુ ને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ આપવા કટિબદ્ધ છે તેમ જણાવીને વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ શ્રેષ્ઠ મળે તો તે ઉચ્ચ કારકિર્દી તરફ આગેકૂચ કરી શકે છે તેથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ એ આજની અનિવાર્યતા છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ તેજસ્વી કારકિર્દી બનાવે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરાએ આભારવિધી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ