પોરબંદરમાં 74 ટકા યુવાન-યુવતીઓએ રાસ-ગરબા યોજવાનો વિરોધ નોંધાવ્યો

કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત દર્શાવાઈ: રોટરી ક્લબ દ્વારા થયો સર્વે

પોરબંદર, તા.17
પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા થયેલ એક સર્વેમાં 74 ટકા યુવાન-યુવતીઓએ રાસગરબા યોજવાનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત દર્શાવાઈ છે.રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા “નવરાત્રીમાં રાસ-ગરબા યોજવા જોઈએ કે નહીં તેમજ સરકારના નિર્ણય અંગેના તેઓના અભિપ્રાય અંગેનો એક સર્વે યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ફેકલ્ટી બી.કોમ., એમ.કોમ., બી.એ., બી.બી.એ. ના વિદ્યાર્થીઓએ જુદા-જુદા 14 પ્રશ્ર્નોના ઉત્તર આપેલા તેના આધારે નીચે મુજબના તારણો પ્રાપ્ત થયા છે.
કુલ 179 વિદ્યાર્થીઓ અને 54 વિદ્યાર્થીનીઓ એમ મળીને કુલ 233 વિદ્યાર્થીઓમાંથી 174 એટલે કે 74.7 ટકા વિદ્યાર્થીઓએ વર્તમાન કોરોનાના સમય નવરાત્રી દરમિયાન રાસ-ગરબા યોજવા ન જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ હતો અને જેમાં 120 એટલે કે 69 ટકા વિદ્યાર્થીઓએ રાસ-ગરબા નહીં યોજવા માટેના મુખ્ય કારણમાં જણાવેલ કે વર્તમાન સમયમાં કોરોના વધુ ફેલાશે જણાવેલ, જ્યારે 24 એટલે કે 14 ટકા વિદ્યાર્થીઓએ જણાવેલ કે કોરોના દર્દીઓની સારવાર કરતા 250 થી વધુ ડોક્ટર્સ, નર્સ, પોલીસ કર્મચારીઓ શહીદ થયા તેના માનમાં રાસ-ગરબા યોજવા ના જોઈએ.તેમજ 229 વિદ્યાર્થીઓમાંથી 174 એટલે કે 75.5 ટકા વિદ્યાર્થીઓએ સરકારના નવરાત્રી અંગેના નિર્ણય અંગે સહમતી વ્યક્ત કરી હતી.સૌથી વધુ ધ્યાન ખેંચે એવું તારણ એ નીકળે છે કે જે વિદ્યાર્થીઓએ વર્તમાન સમયમાં રાસ ગરબા યોજવા ન જોઈએ તેમાંથી 67 ટકા વિદ્યાર્થીઓ રેગ્યુલરલી રાસ ગરબા રમે છે તેમજ 233 વિદ્યાર્થીઓમાંથી 123 એટલે કે 52.7 ટકા વિદ્યાર્થીઓ વિવિધ રાસ ગરબા કમિટીમાં સક્રિય સભ્યો છે. આ ઉપરાંત 98 વિદ્યાર્થીઓ રાસગરબાની હરીફાઈમાં વિવિધ સ્થાન જેવા કે પ્રિન્સ 29 (30 ટકા) વિદ્યાર્થીઓ, પ્રિન્સેસ 10 (11 ટકા) વિદ્યાર્થીઓ અને રનર્સ અપ 57 (59 ટકા) વિદ્યાર્થીઓ થયા છે.જ્યારે અન્ય બાજુ જોઈએ તો કુલ 233 માંથી 58 એટલે કે માત્ર 25 ટકા વિદ્યાર્થીઓ નવરાત્રી દરમિયાન રાસગરબાની તરફેણ કરી હતી અને તેનું મુખ્ય કારણ નવરાત્રી સાથે સંકળાયેલા જુદા-જુદા વ્યવસાયના લોકોને રોજગારી મળી રહે તેવું જણાવેલ.સર્વે ના અંતે સારાંશ જોઈએ તો ઓન એન એવરેજ જે વિદ્યાર્થીઓ પાસેથી ડેટા મેળવેલ તેમાંથી 75 ટકા નવરાત્રી દરમિયાન રાસગરબા ન રમવા જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ તેમજ સરકારના નિર્ણય સાથે સહમત છે તેવું જણાવેલ. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ભુતકાળમાં રાસ ગરબા રમેલ છે તેમજ પ્રિન્સ, પ્રિન્સેસ અને રનર્સ અપ પણ રહેલ છે. ઉપરાંત વિવિધ રાસ ગરબા સમિતિમાં સક્રિય સભ્યો પણ છે તેમ પ્રોજેક્ટ ચેરમેન ડો. અશ્ર્વિન સવજાણી અને પ્રમુખ અનિલરાજ સિંધવીએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ