અનેક સ્થળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, વિજળીએ 3 ભોગ લીધા

ઉપલેટા-ભાવનગર પંથકમાં પણ વિજળી ત્રાટકતા ત્રણ દાઝયા, ધ્રોલ પંથકમાં 3 થી પાંચ ઇંચ સિહોરમાં 4, ધોરાજી-વંથલી- રાજકોટ- ભાવનગર રાપરમાં બેથી અઢી ઇંચ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.18
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેસનની અસર હેઠળ આજે સૌરાષ્ટ્ર કચ્છના 20 તાલુકામાં વિજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે અર્ધોથી માંડી સાચા ચાર ઇંચ કમોસમી વરસાદ ત્રાટકતા મગફળીના તૈયાર અને ખેતરોમાં ઉભેલા કપાસના પાકને ભારે નુકશાન થયું હતું.
જયારે વાવાઝોડા સાથે ત્રાટકેલી વિજળીએ કચ્છમાં બે અને મોરબીના માળીયા મિયાણા પંથકમાં એક મળી મહીલા સહીતા ત્રણ લોકોના ભોગ લીધા હતા અને ઉપલેટાના મેરવદર ગામે વિજળી ત્રાટકતા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જયારે ભાવનગરમાં પણ બે સ્થળે વિજળી પડતા એક મહિલા દાઝી ગઇ હતી.
અચાનક જ ત્રાટકેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં પડેલી મગફળી સહીતની ખેત પેદાશો પલળી જતા લાખો રૂપીયાનું નુકશાન થવા પામેલ છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકને કમોસમી વરસાદે રીતસર ધમરોળી નાખ્યો હતો અને તાલુકામાં 3 થી 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે ભાવનગર જિલ્લાના સિહોરમાં પણ 4 ઇંચ રાજકોટના ધોરાજી વંથલી રાપરમાં બે રાજકોટ શહેરમાં સવા બે, ભાવનગર અને ઘોઘામાં બે ઇંચ, રાપરમાં પોણા બે, મોરબીમાં દોઢ, ભેસાણમાં દોઢ જોડીયામાં દોઢ, જુનાગઢ અને ખંભાળીયામાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ જેતપુર અને લાલપુરમાં પોણો તથા પડધરીમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
જયારે લિલીયા, ગારીયાધાર, ઉપલેટા, ચોટીલા, અમરેલી, ખાંભા, બગસરા, લખપત, જામનગર, જસદણ, થાનગઢ સહીતના વિસ્તારોમાં વાઝડી સાથે હળવા ભારે ઝાપટા પડયા હતા.
કચ્છમાં એકથી બે ઇંચ વીજળી પડતાં બેના મોત
ગઇકાલે કચ્છના અંજાર, ગાંધીધામ, ભુજ, માંડવી, અબડાસા પંથકમાં એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો. બાદ આજે રવિવારે રાપરમાં બે ઇંચ સામખીયાળીમાં દોઢેક ઇંચ સહીત આસપાસમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
રાપરમાં પલાસવાના વાંઢમાં વીજળી પડતા આધેડનું તો ઢોરી ગામે પશુ ચરાવતા માલધારી યુવકનું વીજળી પડવાથી મોત થયું છે. રવાપરમાં વિજળી પડતા ઘાસનો ડેપો સળગ્યો હતો.
ધ્રોલ-જોડીયા તાલુકામાં ત્રણથી પાંચ ઇંચ
રવિવારે ધ્રોલ સહીત તાલુકાના વાંકીયા, સોયલ, નથુ વડલા, ધ્રાંગડા, ખારવા સાઇડના ગામડાઓમાં 3 થી પાંચ જેટલો વરસાદ પડી ગયેલ છે. જોડીયા તાલુકામાં પણ પવન સાથે જોરદાર વરસાદનું આગમન થયેલ. આ તાલુકાના પીઠડ, રસનાળ, બોડકા સહીતના ગામોમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડેલ છે.
માળિયાના મંદરકી ગામે મહિલા
પર વીજળી પડતાં મોત
માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મંદરકી ગામે સવિતાબેન હરિભાઈ અગેચાણીયા વાડીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. આથી સાસુ અને વહુ વાડિએ થી ઘર તરફ પરત ફરી રહ્યા હતા સાસુ સવિતાબેન ઉપર વીજળી પડતા સવિતાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સવિતાબેન મંદરકીગામના સરપંચ ભીમાભાઇના ભાભી થાય છે. સવિતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયા સિવિલ લઇ જવાયો હતો.
ઉપલેટમાં 5 મીમી વરસાદ
ઉપલેટામાં બપોરબાદ અસહ્ય ઉકળાટ બાદ સાંજના 4 થી 5 દરમ્યાન વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયેલ હતો જે 5 મીમી વરસાદ પડેલ હતો. તોફાની વરસાદ સાથે મેરવદર ગામે વિજળી ત્રાટકતા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલો મળે છે. બન્નેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.
ભાવનગર પંથકમાં અઢી ઇંચ
ભાવનગર શહેરમાં આજે વાદળોની ગડગડાટી અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાસ શરૂ થયો હતો. અને બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. વિજળીના કડાકા ભડાકા એટલા જોરદાદર હતા કે બાળકો જ નહીં મોટેરાઓ પણ ડરી ગયા હતા. બે કલાક દરમ્યાન વરસાદી માહોલ ઉભો થયો હતો. પરંતુ વરસાદે વિરામ લીધા બાદ ફરી બફારો અને ગરમી શરૂ થઇ ગઇ હતી. શહેર ઉપરાંત સિહોરમાં સવા બે ઇંચ અને ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. આજે ભાવનગરમાં 67 મીમી સિહોરમાં 56 મીમી અને ઘોઘામાં 42 મીમી વરસાદ નોંધાયો છે.
વીજળી પડતા મહિલા દાઝી ગઇ
ભાવનગર શહેરમાં સવારે બે સ્થળોએ વિજળી પડી છે. શહેરનાં ચિતા વિસ્તારમાં મેપાનગરમાં વિજળી પડતાં ચંપાબેન પરસોતમભાઇ મકવાણા ગંભીર રીતે દાઝી જતા તેઓને સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે.
જયારે ભરતનગર વિસ્તારમાં હરીઓમનગર શિવજીના મંદિર પાસે વરસાદ દરમ્યાન વિજળી પડતા ચાર પાંચ મકાનોમાં ટીવી ફ્રિજ એલઈડી પંખા વિગેરે વીજ ઉપકરણોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
માર્કેટીંગ યાર્ડમાં 10 હજાર ગુણીઓ પલળી ગઇ
ભાવનગરમાં સવારે ધોધમાર વરસાદ શરૂ થતા માર્કેટીંગ યાર્ડમાં પડેલી અંદાજીત 10000 જેટલી ડુંગળી અને મગફળીની ગુણીઓ પલળી જતાં ભારે નુકસાન થવા પામ્યું છે.
જેતપુર વીરપુરમાં ગાજવીજ સાથે વરસાદ
જેતપુરમાં આજે આખો દિવસ અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ બપોરે ત્રણ વાગ્યાથી વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો વીરપુર પીઠડીયા ખીરસરા મેવાસા બેડલા વગેરે ગામોમાં પણ વરસાદ પડ્યો છે.
ધોરાજીમાં બે ઇંચ
ધોરાજીમાં તેમજ આજુબાજુના પંથકમાં આજરોજ સવારથી ભારે બફારા બાદ બપોરે 2.45 કલાકે અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
હાલમાં ખેડૂતો ની મગફળી બહાર કાઢેલી હોય અને અચાનક જ વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કાતો મગફળી કાળી પડી જશે અથવા તો તાત્કાલિક યોગ્ય જગ્યાએ લઈ જવા માટે પણ સમય ન રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
ગોંડલ માં ધોધમાર વરસાદ દોઢ ઇંચ વરસાદ
મેઘરાજા ને ગોંડલ પ્રત્યે જાણે વ્હાલ ઉભરાયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસ થી મેઘવષાઁ વરસાવી રહ્યા છે.
આજે રાત્રે સાડા સાત વાગે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસતાં દોઢ ઇંચ નોંધાયો છે.વરસાદ સાથે વિજળી નાં કડાકા ભડાકા અને ભારે ગાજ વીજ સર્જાઇ હતી. વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ટાઢોડું ફેલાયું હતું.
પાટણવાવમાં અડધો ઇંચ વરસાદ
પાટણવાવ તેમજ કાથરોટા તથા આજુબાજુના વિસ્તારમાં રવિવારે બપોરે અરધો ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં રહેલી મગફળી તથા ઉપાડેલ મગફળીના પાથળા તેમજ કપાસમાં આવેલા જીંડવા કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે.
મોરબીમાં 24 કલાકમાં 3 ઇંચ
મોરબી શહેરમાં રવિવારે સાંજે ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો :રવિવારે વહેલી સવારના એક ઇંચ સાથે છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો : ટંકારામાં 8 મીમી નોંધાયો છે. જયારે મોરબી તાલુકામાં સવા ઇંચ જેવું પાણી વરસ્યું છે.
ધોધમાર વરસાદથી મોરબી શહેરમાં ચારેયકોર પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રાબેતામુજબ પાણી ભરાયા હતા અને મોરબીના મુખ્ય રાજ માર્ગ શનાળા રોડ સહિતના રસ્તો પણ નદીઓના વહેણ બનતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના રંગપરમાં જુના ગામમાં રામજી મંદિર પર વીજળી પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. જોકે આ ઘટના મંદિરમાં કોઈ મોટી નુકસાની થઈ નથી.
જુનાગઢ જિલ્લામાં સવાથી બે ઇંચ
આજે જૂનાગઢ શહેર તથા જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના 4 થી 6 દરમિયાન સવા ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ભેસાણમાં બપોરે 2 થી 4 દરમિયાન સવા ઇંચ અને માણાવદરમાં 2 થી 4 દરમિયાન 1 ઈંચ, વંથલીમાં 4 થી 6 દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતાં રસ્તા ઉપર પાણી, પાણી થઇ ગયું હતું અને ચોમાસા જેવું વાતાવરણ ખડું થઇ જવા પામ્યું હતું.
દરમિયાન આજે ગિરનાર ક્ષેત્ર ગીરના જંગલોમાં પણ ભારે વરસાદ પડયા હોવાના વાવડ મળી રહ્યા છે અને ભારે વરસાદના ઝાપટાંના કારણે જૂનાગઢની સોનરખ નદીમાં પાણી આવ્યા હતા અને દામોદર કુંડ બે કાંઠે થઇ જવા પામ્યો હતો.
માણાવદર તાલુકામાં 1 ઇંચ
માણાવદર તાલુકામાં બુરી જીલાણા જીંજરી સરદારગઢ માણાવદર શહેર સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ 3 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. જે 1 ઇંચ સુધી જુદી જુદી જગ્યાએ પડયો છે. હજી આ લખાય છે ત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. બાંટવા તરફ માત્ર ઝાપટા પડતા હતા. જયારે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.
ખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે સવા ઇંચ
ખંભાળિયા પંથકમાં આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ બપોરે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે શહેરી વિસ્તારમાં આશરે સવા ઈંચ, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપે વરસી ગયો હતો.
ખંભાળિયા- દ્વારકા રોડ પર વડત્રા, સોનારડી વિગેરે ગામોમાં દોઢથી બે ઈંચ સુધી ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામનગર રોડ પરના માંઢા, સિંહણ વિગેરે ગામોમાં એકથી દોઢ ઈંચ, જ્યારે વાડીનાર તથા ભરાણા વિગેરે ગામોના માત્ર ભારે ઝાપટાં વરસ્યા હતા. ખંભાળિયા ભાણવડ પટ્ટીના ગામોમાં પણ ભારે ઝાપટા રૂપે આશરે અડધો ઈંચ પાણી પડી ગયું હતું.
કુતિયાણાના દેવડામાં બે ઇંચ
કુતીયાણા તાલુકાના દેવડા ગામે બે ઇંચ વરસાદ નોંધાયો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને કુતીયાણા શહેર તથા આસપાસના ગ્રામ્યમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.
બાબરાના કોટડા પીઠામાં એક ઇંચ
બાબરા તાલુકાના કોટડા પીઠા પંથકમાં આજે બપોરે તેમજ સાંજના પાંચ કલાકે કાળા ડિબાંગ વાદળ ચડી આવતા એક ઇંચ વરસાદ પડેલ છે.
અમરેલી જિલ્લો
અમરેલી જીલ્લામાં આજે અનેક ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદે ખેડુતોની રહી સહી આશાઓ ઉપર પાણી ફેરવી દીધેલ હતું. ખાંભા, અમરેલી, લીલીયા સહીતના પંથકમાં વરસાદે વિનાશ વેરેલ હતો. ખેડુતોએ રોપેલ મગફળીનાં પાથરા પલળી જતા પશુના મોઢાનો દાણો પણ છિનવાઇ ગયેલ હતો જયારે કપાસમાં લાગેલ ફાલનો સોથ વળી ગયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ હવામાન ખાતાની આગાહીની આજે અમરેલી જીલ્લામાં અસર જોવા મળેલ હતી. છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો મગફળીના પાકમાં જોતરાયેલ હતા. ઘણા ખેડૂતોએ મગફળીનો પાક લઇ લીધેલ હતો. જયારે હાલ મોટાભાગના ખેડૂતો પાક લેવાની કામગીરી કરી રહેલ છે. વિદાય લેતા ચોમાસે આજે ખેતરોમાં પડેલ મગફળીના પાથરાનો વિનાશ વેરેલ હતો. મગફળીના પાકમાં ઉતારો નહીવત છે. ત્યારે વરસાદના આગમનથી પશુના મોઢાનો દાણો પણ છિનવાઇ જતા જગતાને ઘેરી ચિંતામાં ડુબેલ હતો.
ચોટીલા
ચોટીલા પંથકમાં આજે બપોર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને મોટૂ નુકશાન થયેલ છે ચોટીલાનાં અનેક ગામડાઓમાં માં બપોર બાદ કમોસમી માવઠાનો ધોધમાર વરસાદ વરસતા અનેક ખેડૂતો ને મોંઢે આવેલો કોળિયો છીનવાયો છે. વિજળીના કડાકા ભડકા સાથે મોલડી, જીજુડા, પીપળીયા, હરણીયા, મેવાસા, સુખસર,ચિરોડા (ભા) આણંદપુર ની આજુ બાજુના ગામમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન સાથે વરસાદ પડવાથી ખેડુતોને કપાસ ,મઞફળીને અન્ય પાકને મોટાપાયે નુકસાન થયેલ છે તેમજ અનેક ખેતરોમાં લણેલ પાકના ખળા પડેલ હતા જેમા ખેત જણસ પલળી જતા ખેડૂતની નજર સામે પાયમાલ થતા હોવાના દ્રશ્યો સર્જાયા છે.

રિલેટેડ ન્યૂઝ