જૂનાગઢમાંથી તસ્કર ટોળકીના બે સાગરિત ઝડપાયા : 12 ગુના કબુલ્યા

માણાવદર, જૂનાગઢ, વંથલી, ઉપલેટા, મેંદરડામાં ચોરીના ભેદ ખુલ્યા

(પ્રતિનિધી દ્વારા)
જુનાગઢ તા. 18
જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે જૂનાગઢ જિલ્લામાં ઘરફોળ ચોરી કરતી ટોળકીના બે સાગરિતોને પકડી પાડી કુલ 12 વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી, રૂ. 1,44,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જૂનાગઢ એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી અને આ બાતમીના આધારે માણાવદરના ગૌતમ નગરથી હડમતાળા મંદિર જવાના રસ્તે બેઠા પુલ પાસે બાવળની કાટમાં આવેલ રવિ તુલસીના ઝૂંપડા પર દરોડો પાડતા પોલીસને જોઇ રવિ સોલંકી તથા તેમની સાથેનો એક ઈસમ પોલીસને જોઇને ભાગ્યા હતા, પરંતુ પોલીસે તેમની પાછળ દોડી, ફિલ્મી સ્ટાઈલે પકડી પાડી બંનેની પૂછપરછ કરતા એક ઈસમ રવિ તુલસી ઉર્ફે તરસી સોલંકી (ઉ.વ. 20) મૂળ શાપુરનો તથા બીજી ઈશમ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ સાઈ મંદીર સામેના અંકિત એપાર્ટમેન્ટ બીજા માળે રહેતો ચંદ્રેશ મહેશભાઈ આહીર (ઉ.વ. 21) હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં ઝૂંપડામાં તલાશી કરતા અને બંને શખ્સોની અંગ ઝડતી લેતા સોના-ચાંદીના દાગીના, દેશ વિદેશના ચલણી સિક્કા, વિદેશી ચલણી નોટ, એક ટેબ્લેટ મોબાઇલ, બે સાદા મોબાઈલ, પાણીની મોટર 1, તથા હીરોહોન્ડા મોટરસાઈકલ સહિત કુલ રૂ. 1,44,030 નો મુદ્દામાલ મળી આવતા આ મુદ્દામાલ કબજે લીધો હતો.
એલ.સી.બી. એ બંને શખ્સોની પૂછપરછ કરતા માણાવદર પોલીસ સ્ટેશનના 6, જુનાગઢ બી ડિવિઝનના 3, જુનાગઢ સીટી ડિવિઝનના 3 તથા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1 અન ડીટેક ચોરીના ગુનાનો ભેદ ખુલવા પામ્યો હતો અને આ ચોરીના ગુનાંને આ શખ્સોએ અંજામ આપી હોવાનું કબુલાત કરવામાં આવી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીએ પકડેલા ચંદ્રેશ હિરપરા તથા રવિ તુલસી સોલંકી ની સાથે માણાવદરના કમો ઉર્ફે વિરમ સાગર, વેરાવળનો ધીરુ સોલંકી, મૂળ માણાવદરનો અને હાલ જામજોધપુર રહેતો બાબુ જેરામ સોલંકી તથા વેરાવળનો વિનોદ રાણા પણ તેમની સાથે ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવવા પામ્યું છે.
જૂનાગઢ એલસીબીએ પકડી પાડેલા આ બંને ચોર ઈસમોએ પોલીસ દફતરે નોંધાયેલા ગુના સીવાય જૂનાગઢ, વંથલી, મેંદરડા, ઉપલેટા, માણાવદર મા પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે, અને એલસીબી દ્વારા આ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરાય છે.
આ કામગીરીમાાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ. આર.કે.ગોહીલની સાથે પી.એસ.આઇ. ડી.જી.બડવા ડી.એમ.જલું તથા પો.હેડ કોન્સ. બેલીમ, ચાવડા, પટેલ, બડવા, પો.કોન્સ. સમા, ડાભી, સોલાંકી, કનેરીયા, કરમટા, કરાંગીયા, યશપાલતસિંહ, નાંદાણીયા, સોનારા, ઓડેદરા, મારૂ સહિતની એલ.સી.બી. ટીમએ સાથે રહી આ કામગીરી કરેલ હતી.

રિલેટેડ ન્યૂઝ