માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં પડેલો લાખો રૂપીયાની જણસો પલળી ગઇ

(છેલ્લા પાનાનું ચાલુ)
ધોરાજીમાં બે ઇંચ
ધોરાજીમાં તેમજ આજુબાજુના પંથકમાં આજરોજ સવારથી ભારે બફારા બાદ બપોરે 2.45 કલાકે અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
હાલમાં ખેડૂતો ની મગફળી બહાર કાઢેલી હોય અને અચાનક જ વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કાતો મગફળી કાળી પડી જશે અથવા તો તાત્કાલિક યોગ્ય જગ્યાએ લઈ જવા માટે પણ સમય ન રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
ગોંડલ માં ધોધમાર
વરસાદ દોઢ ઇંચ વરસાદ
મેઘરાજા ને ગોંડલ પ્રત્યે જાણે વ્હાલ ઉભરાયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસ થી મેઘવષાઁ વરસાવી રહ્યા છે.
આજે રાત્રે સાડા સાત વાગે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસતાં દોઢ ઇંચ નોંધાયો છે.વરસાદ સાથે વિજળી નાં કડાકા ભડાકા અને ભારે ગાજ વીજ સર્જાઇ હતી. વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ટાઢોડું ફેલાયું હતું.
પાટણવાવમાં અડધો ઇંચ વરસાદ
પાટણવાવ તેમજ કાથરોટા તથા આજુબાજુના વિસ્તારમાં રવિવારે બપોરે અરધો ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં રહેલી મગફળી તથા ઉપાડેલ મગફળીના પાથળા તેમજ કપાસમાં આવેલા જીંડવા કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે.
મોરબીમાં 24 કલાકમાં 3 ઇંચ
મોરબી શહેરમાં રવિવારે સાંજે ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો :રવિવારે વહેલી સવારના એક ઇંચ સાથે છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો : ટંકારામાં 8 મીમી નોંધાયો છે. જયારે મોરબી તાલુકામાં સવા ઇંચ જેવું પાણી વરસ્યું છે.
ધોધમાર વરસાદથી મોરબી શહેરમાં ચારેયકોર પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રાબેતામુજબ પાણી ભરાયા હતા અને મોરબીના મુખ્ય રાજ માર્ગ શનાળા રોડ સહિતના રસ્તો પણ નદીઓના વહેણ બનતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના રંગપરમાં જુના ગામમાં રામજી મંદિર પર વીજળી પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. જોકે આ ઘટના મંદિરમાં કોઈ મોટી નુકસાની થઈ નથી.
જુનાગઢ જિલ્લામાં સવાથી બે ઇંચ
આજે જૂનાગઢ શહેર તથા જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના 4 થી 6 દરમિયાન સવા ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ભેસાણમાં બપોરે 2 થી 4 દરમિયાન સવા ઇંચ અને માણાવદરમાં 2 થી 4 દરમિયાન 1 ઈંચ, વંથલીમાં 4 થી 6 દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતાં રસ્તા ઉપર પાણી, પાણી થઇ ગયું હતું અને ચોમાસા જેવું વાતાવરણ ખડું થઇ જવા પામ્યું હતું. દરમિયાન આજે ગિરનાર ક્ષેત્ર ગીરના જંગલોમાં પણ ભારે વરસાદ પડયા હોવાના વાવડ મળી રહ્યા છે અને ભારે વરસાદના ઝાપટાંના કારણે જૂનાગઢની સોનરખ નદીમાં પાણી આવ્યા હતા અને દામોદર કુંડ બે કાંઠે થઇ જવા પામ્યો હતો.
માણાવદર તાલુકામાં 1 ઇંચ
માણાવદર તાલુકામાં બુરી જીલાણા જીંજરી સરદારગઢ માણાવદર શહેર સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ 3 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. જે 1 ઇંચ સુધી જુદી જુદી જગ્યાએ પડયો છે. હજી આ લખાય છે ત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. બાંટવા તરફ માત્ર ઝાપટા પડતા હતા. જયારે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.
ખંભાળિયા પંથકમાં ગાજવીજ
સાથે સવા ઇંચ
ખંભાળિયા પંથકમાં આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ બપોરે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે શહેરી વિસ્તારમાં આશરે સવા ઈંચ, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપે વરસી ગયો હતો.
ખંભાળિયા- દ્વારકા રોડ પર વડત્રા, સોનારડી વિગેરે ગામોમાં દોઢથી બે ઈંચ સુધી ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામનગર રોડ પરના માંઢા, સિંહણ વિગેરે ગામોમાં એકથી દોઢ ઈંચ, જ્યારે વાડીનાર તથા ભરાણા વિગેરે ગામોના માત્ર ભારે ઝાપટાં વરસ્યા હતા. ખંભાળિયા ભાણવડ પટ્ટીના ગામોમાં પણ ભારે ઝાપટા રૂપે આશરે અડધો ઈંચ પાણી પડી ગયું હતું.
કુતિયાણાના દેવડામાં બે ઇંચ
કુતીયાણા તાલુકાના દેવડા ગામે બે ઇંચ વરસાદ નોંધાયો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને કુતીયાણા શહેર તથા આસપાસના ગ્રામ્યમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.
બાબરાના કોટડા પીઠામાં એક ઇંચ
બાબરા તાલુકાના કોટડા પીઠા પંથકમાં આજે બપોરે તેમજ સાંજના પાંચ કલાકે કાળા ડિબાંગ વાદળ ચડી આવતા એક ઇંચ વરસાદ પડેલ છે.
અમરેલી જિલ્લો
અમરેલી જીલ્લામાં આજે અનેક ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદે ખેડુતોની રહી સહી આશાઓ ઉપર પાણી ફેરવી દીધેલ હતું. ખાંભા, અમરેલી, લીલીયા સહીતના પંથકમાં વરસાદે વિનાશ વેરેલ હતો. ખેડુતોએ રોપેલ મગફળીનાં પાથરા પલળી જતા પશુના મોઢાનો દાણો પણ છિનવાઇ ગયેલ હતો જયારે કપાસમાં લાગેલ ફાલનો સોથ વળી ગયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ હવામાન ખાતાની આગાહીની આજે અમરેલી જીલ્લામાં અસર જોવા મળેલ હતી. છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો મગફળીના પાકમાં જોતરાયેલ હતા. ઘણા ખેડૂતોએ મગફળીનો પાક લઇ લીધેલ હતો. જયારે હાલ મોટાભાગના ખેડૂતો પાક લેવાની કામગીરી કરી રહેલ છે. વિદાય લેતા ચોમાસે આજે ખેતરોમાં પડેલ મગફળીના પાથરાનો વિનાશ વેરેલ હતો. મગફળીના પાકમાં ઉતારો નહીવત છે. ત્યારે વરસાદના આગમનથી પશુના મોઢાનો દાણો પણ છિનવાઇ જતા જગતાને ઘેરી ચિંતામાં ડુબેલ હતો.
ચોટીલા
ચોટીલા પંથકમાં આજે બપોર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને મોટૂ નુકશાન થયેલ છે ચોટીલાનાં અનેક ગામડાઓમાં માં બપોર બાદ કમોસમી માવઠાનો ધોધમાર વરસાદ વરસતા અનેક ખેડૂતો ને મોંઢે આવેલો કોળિયો છીનવાયો છે. વિજળીના કડાકા ભડકા સાથે મોલડી, જીજુડા, પીપળીયા, હરણીયા, મેવાસા, સુખસર,ચિરોડા (ભા) આણંદપુર ની આજુ બાજુના ગામમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન સાથે વરસાદ પડવાથી ખેડુતોને કપાસ ,મઞફળીને અન્ય પાકને મોટાપાયે નુકસાન થયેલ છે તેમજ અનેક ખેતરોમાં લણેલ પાકના ખળા પડેલ હતા જેમા ખેત જણસ પલળી જતા ખેડૂતની નજર સામે પાયમાલ થતા હોવાના દ્રશ્યો સર્જાયા છે.

રિલેટેડ ન્યૂઝ