ગાંધીનગરનો વર્ગ-3નો (ભ્રષ્ટ) કર્મી 2000 કરોડનો આસામી!

પાટણના ધારાસભ્ય કીરિટ પટેલે ગાંધીનગર કલેકટર સમક્ષ કર્યો ઐતિહાસિક ઘટસ્ફોટ

(પ્રતિનિધિ) ગાંધીનગર તા.19
ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી કરોડોનો આસામી હોવાનું સામે આવ્યું છે. વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને પત્ર લખ્યો હતો. જે પત્રમાં વર્ગ-3ના કર્મચારીની માહિતી માંગી હતી. આ માહિતીના આધારે ધારાસભ્ય દ્વારા આ કર્મચારી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ધારાસભ્યએ ગુંડા એક્ટ અને ભૂમાફિયા એક્ટના પ્રથમ કેસની શરૂઆત સરકાર તેના નાક નીચેથી કરે તેવી માંગણી કરી છે. કિરીટ પટેલે કહ્યું કે, એક વર્ગ 3ના કર્મચારીની વિગતો આજરોજ મેં કલેક્ટર ગાંધીનગર પાસે માંગી છે. મને સાચી વિગતો મળશે તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ગુનો નોંધાશે જેની નોંધ પ્રધાનમંત્રીએ પણ લેવી પડશે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્મચારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આઈએએસ-આઈપીએસની હરોળમાં વર્ગ-3નો કર્મચારી રહે છે. એક આઈપીએસની મદદથી ખાનગી ડોક્ટર પાસેથી 100 કરોડની કિંમતી સરકારી જમીનનો કબજો કર્મચારી પાસે છે. ગાંધીનગર કલેક્ટર ઓફિસમાં આ કર્મચારીએ ધો-10ની નકલી માર્કશીટથી નોકરી મેળવી છે.
ધારાસભ્ય કિરીટ પટેલ પાસે આ કર્મચારીની વિગતો છે. કિરીટ પટેલે આ કર્મચારી સત્તાના જોરે પત્નીને ખેડૂત ખાતેદાર બનાવ્યાનો આરોપ લગાવ્યો છે. 302નો આરોપ હતો પણ પૈસાના જોરે ફરિયાદમાંથી નામ કઢાવ્યાનો આરોપ લગાવ્યો છે. કિરીટ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી આ કર્મચારીની તપાસ કરાવશે તો હું અભિનંદન આપીશ.
કિરીટ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જો સરકાર અને લાંચ રૂશ્વત બ્યુરોની ઇચ્છાશક્તિ હોય તો હું આ કર્મચારીની મિલ્કતોની તમામ વિગતો આપવા તૈયાર છું. પરંતુ મુખ્યમંત્રી અને લાંચ રૂશ્વત વિરોધી સાચા મનથી તપાસ કરે તો આ દેશનો વર્ગ 3નો પ્રથમ એવો કેસ સાબિત થશે કે ભ્રષ્ટાચારનો આંકડો આશરે 500 કરોડ થશે.

રિલેટેડ ન્યૂઝ