જૂનાગઢ રોપ-વેમાં પાયાના પથ્થરો ભુલાયા

પ્રથમ દિવસે નેતાઓ અધિકારીઓએ મફતમાં માણી મજા, ટ્રોલીમાં બેસવા માટે પડાપડીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા
જુનાગઢ તા. 24

જૂનાગઢમાં આજે ગિરનારના રોપ વે ના યોજાયેલા ઇ લોન્ચિંગ કાર્યક્રમ સરકારી નહિ પરંતુ માત્ર ભાજપનો હોય તેવું નજરે પડી રહ્યું હતું, બીજી બાજુ આ રોપ વે શરૂ કરવા માટે જેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા તેવા જૂનાગઢના નેતાઓને ભુલી જવાયા હતા, અને બાદમાં રોપ વે લોએર પોઈન્ટ ઉપર સોશિયલ ડિસ્ટન્સ ના મુખ્યમંત્રીની હાજરીમાં ધજાગરા ઉડ્યા બાદ, આખો દિવસ જુનાગઢ ભાજપના નેતાઓએ પરિવાર સાથે રોપ વે ની મફતમાં મજા માણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આજે જૂનાગઢના પીટીએસ ગ્રાઉન્ડ ખાતે રોપ વે નું વડાપ્રધાન દ્વારા ઇ લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, જુનાગઢના પનોતા પુત્ર અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જેમને આમંત્રણ અપાયું હતું તે મોટાભાગના જૂનાગઢ શહેર તથા જિલ્લા ભાજપના પદાધિકારીઓ જ નજરે પડતા હતા, જાણે આ કાર્યક્રમ સરકારનો નહીં પરંતુ ભાજપનો હોય તેવું જણાઈ રહ્યું હતું.
નોંધનીય બાબત એ હતી કે, વિરોધ પક્ષ કોંગ્રેસ કે જૂનાગઢ શહેરના બિનરાજકીય એક પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ આ સમારોહમાં નજરે પડી ન હતી. બીજી બાજુ આ રોપ વે માટે જેમણે અથાગ પ્રયત્નો કર્યા છે, તેવા જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ભાજપ અગ્રણી પ્રદિપ ખીમાણી, અમૃતભાઈ દેસાઈ સહિતના આગેવાનોને એક સાઇડમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમના નામનો ઉલ્લેખ પણ કરાયો ન હતો
સમારોહ બાદ મુખ્યમંત્રી રૂપાણી તેમના પત્ની તથા તેમના સાથી મંત્રીઓ સાથે ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને રોપ વે ના પોઈન્ટ ઉપર દીપ પ્રાગટ્ય કર્યા બાદ જ્યારે મુખ્યમંત્રી ટ્રોલીમાં બેસી માં અંબાના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રોપ વે ની સફર કરવા માટે જૂનાગઢ ભાજપના અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી, ટ્રોલી માં બેસવા માટે પડાપડી કરવા માંડ્યા હતા અને હાસ્યાસ્પદ દ્રશ્યો સર્જાયા હતા.
મુખ્યમંત્રીએ રોપ વે નું ઉદ્ધાટન કર્યા બાદ આજે આખો દિવસ જૂનાગઢ શહેર ભાજપના અગ્રણીઓ મનપાના પદાધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના પોતાના પરિવાર સાથે રોપ વે ની મફત ની મોજ માણવા પહોંચી ગયા હતા. આ ઉષા બ્રેકો કંપની સાથે ભાજપની બળજબરી હતી કે, ભાજપને વ્હાલા થવાની નીતિ ? તે સમજાયું ના હતું પરંતુ ભાજપના આગેવાન અને કાર્યકરોના પરિવારજનોને આજે રોપ વે ની મન ભરી મફતમાં મોજ માણી લીધી હતી.
જુનાગઢમાં રોપ-વે શરૂ થાય તે માટે જેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષો સુધી જુનાગઢને રોપવે મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધીના ધક્કા ખાનારા, જૂનાગઢના અનેક અગ્રણીઓને મુખ્યમંત્રી રૂપાણી કે વડાપ્રધાન મોદીએ યાદ ન કરતા ક્યાંકને ક્યાંક કચવાટ ફેલાયો છે.
જુનાગઢમા રોપ વે શરૂ થાય તે માટે જુનાગઢના અનેક આગેવાનો એ લગભગ 36 વર્ષ સુધી અથાગ પ્રયત્નો કર્યા હતા. જેમાં જૂનાગઢના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, જૂનાગઢના ભાજપના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, અમૃતભાઈ, દેસાઈ, પૂર્વ ડે. મેયર ગીરીશ કોટેચા તથા આ 36 વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરના કોંગ્રેસ અને ભાજપના અનેક અગ્રણીઓએ જુનાગઢને રોપવે મળે તે માટે પ્રયત્નો કર્યા હતા, અને એક સમયે તો લોહીથી પત્ર લખી સરકારને મોકલવા માટેના સર્વપક્ષીય લોક આંદોલનો થયા હતા, ત્યારે તમામના પ્રયત્નોના ભાગરૂપે જ આજે જ્યારે સરકાર દ્વારા રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ પ્રોજેક્ટના ખરા અર્થમાં સ્વપ્ન દ્રષ્ટા ઓને, ખરા શિલ્પીઓને વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા તેમના ઉદબોધનમાં ભૂલી, તેમના નામ અને પ્રયત્નોની યાદી કરવામાં ના આવતા ક્યાંક ને ક્યાંક કચવાટ જનમ્યો છે.

રિલેટેડ ન્યૂઝ