વિરપુર રૂટની જેતપુર-અમરેલીની એક માત્ર STબસ સેવા બંધ: ભાવિકોમાં રોષ

(પ્રતિનિધિ દ્વારા) વિરપુર (જલારામ) તા.29
ગુરુ ભોજલરામબાપા અને શિષ્ય જલારામબાપાના જન્મ અને કર્મ સ્થાનકો વીરપુર અને ફતેહપુરને જોડતી વીરપુર થઈને જતી એસટી વિભાગની જેતપુર-અમરેલી રૂટની બસ જે વીરપુર થી અમરેલી તરફ જવા માટે આખા દિવસ ની એકમાત્ર બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ગુરુ-શિષ્યના ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે.
સંત શિરોમણી જલારામબાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ વીરપુર આવતા હોય છે. અને વીરપુર નેશનલ હાઈ વે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા પણ શ્રદ્ધાળુઓને નડતી નથી. પરંતુ શિષ્ય જલારામબાપા અને ગુરુ ભોજલરામ બાપાના જન્મ સ્થાનકો વીરપુર અને ફતેહપુર બંને ગામોએ શ્રદ્ધાળુઓની અવરજવર માટે એસટી વિભાગ દ્વારા જેતપુર-અમરેલી રૂટની એક બસ ચલાવવામાં આવતી.
આ બસ જેતપુરથી ઉપડીને વાયા વીરપુર, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા જેવા અનેક નાનામોટા ગામડાઓમાં થઈને અમરેલી તરફ જતી. અમરેલીની બાજુમાં ફતેહપુર ગામ કે જે ભોજલરામ બાપાની કર્મ ભૂમી હોય તે ગામનો અને વિરપુરનો અનન્ય નાતો છે. અને બંને ગામના લોકો પણ એકબીજા સાથે જોડાયેલ છે. અને તેઓને રોડ માર્ગે જોડવાનું કામ જેતપુર- અમરેલી રૂટની બસ કરતી હતી.
પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ રૂટની એકમાત્ર બસ બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાઈ ગયો છે. હાલમાં તો શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોના મસમોટા ભાડા ખર્ચીને વીરપુરથી અમરેલી બાજુ અવરજવર કરવી પડે છે. ત્યારે બંધ કરાયેલ આ રૂટની બસ એસટી તંત્ર દ્વારા વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠી છે.
વીરપુર થી અમરેલી તરફ જવા એસ.ટી.વિભાગ દ્વારા માત્ર એક બસ મુકવામાં આવી છે. અમરેલી તરફથી ઘણા યાત્રાળુઓ પુ. જલારામબાપાના દર્સનાથે આવે છે તેમજ વીરપુર ગામના લોકો ને અમરેલી તરફ જવાનું હોય ત્યારે ગોંડલ અથવા જેતપુર જવું પડે છે, ત્યાંથી અમરેલી રૂટ તરફની બસ પકડવાની રહે છે.વીરપુર થી અમરેલી તરફ જવા અન્ય ખાનગી વાહનો ની પણ સવલત ન હોઈ તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ બસ તેમજ દિવસ દરમ્યાન વધારાની બસ ચાલુ કરે તેવી યાત્રાળુઓ તેમજ ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ